ઈંગ્લેન્ડના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન એલેસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને હાલ એ લંડનના ઓવલ મેદાન પર ભારત સામેની પાંચમી ટેસ્ટના રૂપમાં પોતાની આખરી ટેસ્ટમાં રમે છે.
કૂકે સાઉધમ્પ્ટનમાં રમાઈ ગયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની જીત બાદ જાહેરાત કરી દીધી હતી કે પોતે ઓવલ ટેસ્ટ મેચ બાદ રિટાયર થશે.
આજે પાંચમી ટેસ્ટ મેચનો આરંભ થયો, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સતત પાંચમી વાર ટોસ જીત્યો અને ઓપનર કૂક દાવ લેવા ડ્રેસિંગ રૂમમાંથી મેદાનમાં ઉતર્યો ત્યારે એ દ્રશ્ય જોવાલાયક હતું.
સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોએ સીટ પરથી ઊભાં થઈને કૂકનું અભિવાદન કર્યું હતું. કૂક જેવો સીડી પરથી નીચે ઉતરીને મેદાન તરફ આગળ વધતો રહ્યો એમ સ્ટેન્ડ્સમાંથી દર્શકોની તાળીઓના ગડગડાટનો અવાજ વધતો ગયો હતો.
ઈંગ્લેન્ડના આ ભૂતપૂર્વ કેપ્ટન પ્રત્યે આદર વ્યક્ત કરવાનું વિરાટ કોહલી અને એના સાથીઓ પણ જરાય ચૂક્યા નહોતા. કૂક મેદાન પર ઉતર્યો એ પહેલાંથી જ ભારતીય ખેલાડીઓ મેદાન પર ગોઠવાઈ ગયા હતા અને કૂકને ગાર્ડ ઓફ ઓનર આપવા સજ્જ બની ગયા હતા. ત્યારબાદ કૂક જેવો મેદાનમાં આવ્યો કે ભારતીય ક્રિકેટરોએ તાળી પાડીને કૂકનું અભિવાદન કર્યું હતું જેનો ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેને સ્વીકાર પણ કર્યો હતો.
httpss://twitter.com/englandcricket/status/1038004572093120512
ભારતના અમુક ક્રિકેટરોએ તો કૂકના સમ્માનમાં એમની ટેસ્ટ કેપ માથા પરથી ઉતારી પણ લીધી હતી.
લાઈનમાં છેવાડે ઉભેલા કેપ્ટન વિરાટ કોહલીએ કૂક સાથે હાથ મિલાવીને એને શુભકામના વ્યક્ત કરી હતી.
33 વર્ષીય કૂકે એક રેકોર્ડ કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં સતત સૌથી વધુ, 159 ટેસ્ટ મેચ રમનાર તે પહેલો બેટ્સમેન છે.
ઓવલ ટેસ્ટ મેચના આરંભ પૂર્વે કૂક 160 ટેસ્ટ મેચોમાં 44.88ની એવરેજ સાથે 12,254 રન બનાવી ચૂક્યો હતો. જેમાં એનો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે, 294. કારકિર્દીમાં એણે 32 સદી અને 56 અડધી સદી ફટકારી. કુલ 1,420 બાઉન્ડરી અને 11 સિક્સરો પણ ફટકારી તથા 173 કેચ પકડ્યા.
કૂક 92 વન-ડે ઈન્ટરનેશનલ મેચ 4 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યો છે.