શ્રેણીમાં સતત પાંચમી વાર ટોસ હાર્યો; કોહલી સામેલ થયો ‘સ્પેશિયલ ક્લબમાં’

લંડન – ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે અહીં કેનિંગ્ટન ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પણ ટોસ જીતવામાં નિષ્ફળ રહ્યો. આ સીરિઝમાં ટોસ-ભાગ્ય એને સતત પાંચમી વાર હાથતાળી આપી ગયું.
આમ, એક જ શ્રેણીમાં સતત પાંચ ટેસ્ટમાં ટોસ હારવાની અણગમતી સિદ્ધિ કોહલીએ હાંસલ કરી છે.

જોકે આવી નિષ્ફળતા હાંસલ કરનાર કોહલી પહેલો ભારતીય કેપ્ટન નથી, પણ ત્રીજો છે. પરંતુ કોઈ ભારતીય કેપ્ટન આટલી બધી વાર ટોસ હાર્યો હોય એવું 36 વર્ષમાં પહેલી વાર બન્યું છે. અગાઉ લાલા અમરનાથ અને કપિલ દેવ પણ આ રીતે ટોસ હાર્યા હતા.

લાલા અમરનાથ 1948-49ની સાલમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે અને કપિલ દેવ 1982-83માં વેસ્ટ ઈન્ડિઝ સામે એની ધરતી પર પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં સતત મેચોમાં ટોસ હારી ગયા હતા. લાલા અમરનાથની સામે વેસ્ટ ઈન્ડિયન કેપ્ટન હતા જોન ગોડાર્ડ અને કપિલ દેવ સામે હતા ક્લાઈવ લોઈડ.

કોહલીને આ હાર જો રૂટ સામે ખમવી પડી છે. ઈંગ્લેન્ડમાં, આવી ઘટના 20 વર્ષ બાદ બની છે. 1998માં, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માર્ક ટેલરે એશિઝ સીરિઝમાં તમામ પાંચ મેચોમાં ટોસ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્યારે ઈંગ્લેન્ડને 3-1થી હાર આપી હતી.

કોઈ સીરિઝની પાંચેય મેચમાં ટોસ જીત્યા હોય એવા એકમાત્ર ભારતીય કેપ્ટન છે – મન્સૂર અલી ખાન પટૌડી. 1963-64ની સાલમાં, ટોસના સિક્કાએ પટૌડીનો દરેક મેચમાં સાથ આપ્યો હતો અને એમની તરફેણમાં જમીન પર પડ્યો હતો. એ વખતે પટૌડી સામે ટીમ હતી ઈંગ્લેન્ડ.

આજે સતત પાંચમ ટેસ્ટમાં પણ ટોસ હારી ગયા બાદ કોહલીએ મજાકમાં કહ્યું કે, મારે એવા કોઈનની જરૂર હતી જેમાં બંને બાજુએ ‘હેડ’નું ચિન્હ હોય.