નૈનિતાલમાં કાર અકસ્માતનો ભોગ બનેલાને શામીએ બચાવ્યો

નૈનિતાલ (ઉત્તરાખંડ): અહીંના પહાડી વિસ્તારમાં ગઈ કાલે પોતાની નજર સામે એક કારને રસ્તા પરથી સરકીને પહાડી ઝાડી-ઝાંખરામાં ગબડતી જોયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ તરત ત્યાં દોડી જઈને કારમાં ફસાઈ ગયેલા માણસને બચાવી લીધો હતો.

આ અકસ્માતનો એક અન્ય વ્યક્તિએ તેના મોબાઈલ ફોન પર ઉતારેલો વીડિયો શામીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાં બેઠેલા માણસનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તેની કાર રસ્તા પરથી સરકીને પહાડ પરના ઢોળાવ પરથી નીચેની તરફ ગબડવા માંડી હતી, પણ એક ઝાડ વચ્ચે આવી જતાં તે અટકી ગઈ હતી. આ દ્રશ્ય જોતાં જ શમી તરત પોતાની કારમાંથી ઉતરીને અકસ્માતવાળી કાર પાસે ગયો હતો અને અંદર બેઠેલા માણસને સલામત રીતે બહાર કાઢ્યો હતો અને એનો પ્રાથમિક ઉપચાર પણ કર્યો હતો.

શમી નૈનિતાલમાં વેકેશન માણવા આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે, ‘કોઈકને બચાવવાનો ખરેખર બહુ જ આનંદ થયો. એ માણસ ખૂબ જ નસીબદાર હતો. ઈશ્વરે એને જીવતદાન આપ્યું છે. એની કાર મારી કારની આગળ જ જતી હતી. નૈનિકાલ નજીક અચાનક એ કાર રસ્તા પરથી સરકીને ઢોળાવમાં ગબડી ગઈ હતી. અમે એ નજરોનજર જોયું અને અમારી કાર રોકીને એને સુરક્ષિત રીતે બચાવી લીધો.’

અનેક ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે આ કાર્ય કરવા બદલ શામીની પ્રશંસા કરી છે. એક જણે લખ્યું છે, ‘પિચ પર ભારતીય ટીમને બચાવી અને અહીંયા ભારતીય નાગરિકને.’ બીજા એક યૂઝરે લખ્યું છે, ‘શામી હીરો છે – મેદાનમાં અને મેદાનની બહાર પણ.’