બેંગલુરુઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. એ ડે-નાઇટ ટેસ્ટ હશે. આ મુકાબલાથી પહેલાં ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર છે. ક્રિકેટપ્રેમીઓ આ મેચનો સ્ટેડિયમમાં જઈને આનંદ માણી શકશે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA)એ સ્ટેડિયમમાં 100 ટકા ક્રિકેટપ્રેમીઓને મેચ જોવાની મંજૂરી આપી છે. એસોસિયેશને કોરોના કેસોમાં ઘટાડો થતાં સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી છે. આ ટેસ્ટ મેચ 12-16 માર્ચ દરમ્યાન યોજાશે. આ ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા માટે દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભારત અને શ્રીલંકાની ટેસ્ટ મેચ જોવા માટે દર્શકો પર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો નથી લગાડ્યાં, સ્ટેડિયમને પૂરી ક્ષમતા માટે ટિકિટોના વેચાણ માટે ખોલવામાં આવશે, એમ KSCAએ જણાવ્યું હતું. આ ટેસ્ટ મેચ જોવા માટે પ્રતિદિન ટિકિટ માટે ક્રમશઃ રૂ. 1250 (ગ્રાન્ડ ટેરેસ), રૂ. 750 (ઈ-એક્ઝિક્યુટિવ), રૂ. 500 ( D કોર્પોરેટ) અને રૂ. 100 રાખવામાં આવી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ એ વિરાટ કોહલીની 100મી ટેસ્ટ હતી. એ વખતે પણ મોહાલીના PCA સ્ટેડિયમમાં 50 ટકા ક્ષમતા સાથે સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓને મંજૂરી આપવામાં આવી હતી.
કોરોન રોગચાળા પછી સૌપ્રથમ વાર ભારત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ 100 ટકા ફેન્સની હાજરીમાં રમાડવામાં આવશે. મોહાલીમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયાએ એક ઇનિંગ્સ અને 222 રનથી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી ત્રણ ડે-નાઇટ ટેસ્ટ રમી છે, જેમાં બેમાં જીત મળી અને એકમાં ટીમને હાર ખમવી પડી હતી.