ભારત જીતથી છ વિકેટ દૂરઃ બંગલાદેશ 158-4

ચેન્નઈઃ ચેન્નઈમાં રમાઈ રહેલી ભારત અને બંગલાદેશ ચેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓછા પ્રકાશને કારણે મેચ 40 મિનિટ પહેલાં ખતમ થઈ હતી. બંગલાદેશની ટીમે 515 રનના લક્ષ્યનો પીછો કરતાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. કેપ્ટન નજમૂલ હુસૈન શાંટો 51 અને શાકિબ અલ હસન પાંચ રન બનાવીને ક્રીઝ પર ઊભા છે. ભારતને જીત માટે છ વિકેટની જરૂર છે.

આ પહેલાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 376 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ગુમાવીને 287 રને દાવ ડિકેલેર કરવામાં આવ્યો હતો. હજી બંગલાદેશને જીતવા માટે 357 રનોની જરૂર છે. બીજી ઇનિંગ્સમાં અશ્વિને ચારમાંથી ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહને એક વિકેટ મળી હતી.આ પહેલાં બીજી ઈનિંગમાં પંતે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી.

પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન પંતે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે ટેસ્ટ ક્રિકેટમાં આ સદી 634 દિવસ પછી કરી છે. 58 ટેસ્ટ ઇનિંગ્સમાં પંતની આ છઠ્ઠી સદી છે. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરની યાદીમાં તેણે ધોનીની બરાબરી કરી લીધી છે.

બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ભારત પાસે 500થી વધુ રનની લીડ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલભર્યો રહેશે. અગાઉની પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.