મેલબર્નઃ અહીં રમાતી બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયા તેના બીજા દાવમાં માત્ર બે જ રન કરી શક્યું હતું અને તેની 6-વિકેટ પડી ચૂકી છે. આમ, અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે પહેલી ટેસ્ટની હારનો બદલો લેવાની ઉજળી તકો ઊભી થઈ છે. પહેલા દાવમાં 195 રન કરનાર ઓસ્ટ્રેલિયા પર ભારતે પહેલા દાવમાં 131 રનની બહુમૂલ્ય સરસાઈ મેળવી છે. ભારતનો પહેલો દાવ આજે 326 રનમાં પૂરો થયા બાદ ઓસ્ટ્રેલિયા દિવસને અંતે 6-વિકેટના ભોગે 133 રન કરી શક્યું હતું. તેના ટોચના પાંચ બેટ્સમેન આઉટ થઈ ચૂક્યા છે – મેથ્યૂ વેડ (40), જો બર્ન્સ (4), માર્નસ લેબુશેન (28), સ્ટીવ સ્મીથ (8), ટ્રેવિસ હેડ (17) અને કેપ્ટન-વિકેટકીપર ટીમ પેન (1). કેમરન ગ્રીન 17 અને પેટ કમિન્સ 15 રન સાથે દાવમાં હતો. ઓસ્ટ્રેલિયાએ એક સમયે તો 99 રનમાં જ 6 વિકેટ ખોઈ દીધી હતી અને તેને માથે એક દાવની હારનું જોખમ ઊભું થયું હતું. પરંતુ ગ્રીન અને કમિન્સે 18 ઓવર રમી નાખી હતી અને 34 રનની ભાગીદારી કરી હતી.
ભારતે પાંચ વિકેટે 277 રનનો તેનો બીજા દિવસનો અધૂરો દાવ આજે આગળ વધાર્યો હતો. બોલિંગ ઓલરાઉન્ડર અને 50મી ટેસ્ટ મેચ રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ તેની 15મી હાફ સેન્ચૂરી પૂરી કરી હતી. જાડેજા બાદમાં બોલિંગમાં પણ ચમક્યો હતો અને ઓપનર મેથ્યૂ વેડ તથા હરીફ કેપ્ટન પેનની વિકેટો ઝડપી હતી. અન્ય ચાર બોલરે એક-એક વિકેટ લીધી હતી – જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિન.