ન્યૂ ઝીલેન્ડ સામે T20Isમાં ભારત માટે જીતના દુકાળનો અંત

નવી દિલ્હી – ભારતીય ક્રિકેટ ટીમે ઓલરાઉન્ડ દેખાવ બતાવીને ગઈ કાલે અહીંના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે રમાઈ ગયેલી સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૫૩-રનથી પરાજય આપ્યો હતો. આ સાથે જ ન્યૂ ઝીલેન્ડ સામે આ ફોર્મેટની ક્રિકેટમાં ભારત માટે વિજયના દુકાળનો અંત આવી ગયો છે.

બંને ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ ૪ નવેમ્બરે રાજકોટમાં રમાશે.

ગઈ કાલની મેચ દિલ્હીવાસી ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરાની કારકિર્દીની અંતિમ હતી. મેચ પૂર્વે ભારતીય ટીમે એનું બહુમાન કર્યું હતું અને જીત રૂપે ગિફ્ટ આપીને એને વિદાય આપી હતી.

ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે તેની ઓપનિંગ જોડીની ૧૫૮ રનની મદદથી પોતાના હિસ્સાની ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૨ રન કર્યા હતા. રોહિત શર્મા અને શિખર ધવન, બંનેએ ૮૦-૮૦ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ૨૬ અને મહેન્દ્ર સિંહ ધોની ૭ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ત્રીજા ક્રમે આવેલો હાર્દિક પંડ્યા ઝીરો પર આઉટ થયો હતો.

ન્યૂ ઝીલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૧૪૯ રન જ બનાવી શકી હતી. ભારતના બે સ્પિનર – યૂઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી. ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. હેન્રી નિકોલ્સને કોહલીએ રનઆઉટ કર્યો હતો.

આશિષ નેહરા નિવૃત્ત થયો

આશિષ નેહરા ચાર ઓવરમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. આ સાથે જ એની ૨૭ T20I મેચોની કારકિર્દીનો તેમજ કુલ ૧૮ વર્ષની સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે.

મેચ બાદ એણે કહ્યું હતું કે હવે મારા બોડીને આરામ મળી શકશે. હું ક્રિકેટના આ વાતાવરણ, જીવનને ક્યારેય ભૂલી નહીં શકું.

નેહરાએ ૧૭ ટેસ્ટ મેચોમાં ૪૪ વિકેટ લીધી હતી, ૧૨૦ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ૧૫૭ અને ૨૭ T20I મેચોમાં ૩૪ વિકેટ લીધી હતી. વન-ડે ક્રિકેટમાં એનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો – ૨૩ રનમાં ૬ વિકેટનો. એ પોતાની પહેલી ટેસ્ટ મેચ ૧૯૯૯માં અને છેલ્લી ૨૦૦૪માં રમ્યો હતો. પહેલી વન-ડે મેચ ૨૦૦૧માં અને છેલ્લી ૨૦૧૧માં રમ્યો હતો. પહેલી T20I મેચ ૨૦૦૯માં અને છેલ્લી ૨૦૧૭માં રમ્યો હતો.

નવોદિત બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીના હસ્તે T20I કેપ પ્રદાન

નિવૃત્તિ મેચના આરંભે આશિષ નેહરાને ભારતીય ટીમ તરફથી સ્મૃતિ ચિન્હની ભેટ

રોહિત શર્મા

શિખર ધવન