આશિષ નેહરા નિવૃત્ત થયો…

દિલ્હીવાસી ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૧ નવેમ્બર, બુધવારે એ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર પોતાની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મેચ, જે ત્રણ-મેચોની સિરીજની પહેલી હતી એ, ૫૩-રનથી જીતીને ભારતીય ટીમે નેહરાને વિદાય વેળાની ગિફ્ટ આપી છે. મેચમાં આશિષ નેહરાએ ચાર ઓવર ફેંકી હતી, પણ કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. આ સાથે જ એની ૨૭-T20I મેચોની કારકિર્દીનો તેમજ કુલ ૧૮ વર્ષની સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી ગયો છે. મેચ બાદ ભારતીય ખેલાડીઓ નેહરાને એમના ખભા પર બેસાડીને મેદાનમાં ફર્યા હતા અને નેહરાએ દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. નેહરા પોતાની ક્રિકેટ કારકિર્દીની પહેલી (ફર્સ્ટ ક્લાસ) મેચ ૧૯૯૭માં પોતાના હોમગ્રાઉન્ડ પર જ રમ્યો હતો. એણે કહ્યું કે હું આટલા વર્ષોમાં અનેક કેપ્ટનોના હાથ નીચે અને ઘણા સાથીઓની ભેગો રમ્યો, પણ મારી સમગ્ર ક્રિકેટ સફર યાદગાર બની રહી. હવે મારા બોડીને આરામ મળી શકશે. હું ક્રિકેટના આ વાતાવરણ, જીવનને ક્યારેય ભૂલી નહીં શકું. નેહરાએ ૧૭ ટેસ્ટ મેચોમાં ૪૪ વિકેટ લીધી હતી, ૧૨૦ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ૧૫૭ અને ૨૭ T20I મેચોમાં ૩૪ વિકેટ લીધી હતી. વન-ડે ક્રિકેટમાં એનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો – ૨૩ રનમાં ૬ વિકેટનો. એ પોતાની પહેલી ટેસ્ટ મેચ ૧૯૯૯માં અને છેલ્લી ૨૦૦૪માં રમ્યો હતો. પહેલી વન-ડે મેચ ૨૦૦૧માં અને છેલ્લી ૨૦૧૧માં રમ્યો હતો. પહેલી T20I મેચ ૨૦૦૯માં અને છેલ્લી ૨૦૧૭માં રમ્યો હતો.

નિવૃત્તિ મેચના આરંભે આશિષ નેહરાને ભારતીય ટીમ તરફથી સ્મૃતિ ચિન્હની ભેટ