સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ક્રિકેટ મેચો ક્યારે શરૂ થાય એની માત્ર આ બે દેશના જ નહીં, પણ વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં જ છે અને બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ મેચોની સિરીઝ 27 નવેમ્બરથી શરૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ પછી બંને ટીમ વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝ રમાશે અને ત્યારબાદ ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમાવાની છે. વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચે આ બહુ પ્રતિષ્ઠિત સિરીઝ કોરોના વાઇરસ સંક્રમણના સંકટ વચ્ચે આયોજિત થઈ રહી છે. વૈશ્વિક રોગચાળા વચ્ચે પણ રાહતના સમાચાર એ છે કે સીમિત ઓવરોવાળી મેચોની કુલ છમાંથી પાંચ મેચોની ટિકિટો ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી.
પહેલી વન-ડે મેચ સિડનીમાં
27 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પહેલી વન-ડે મેચ રમાશે. કોરોના વાઇરસ ફેલાવાને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનને ધ્યાનમાં રાખીને થોડાક દર્શકોને સ્ટેડિયમમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. વન-ડે અને T20 સિરીઝ માટેની ટિકિટોનું વેચાણ આજથી શરૂ થયું હતું અને પાંચ મેચોની બધી ટિકિટ માત્ર 1440 મિનિટોમાં એટલે કે 24 કલાકથી પણ ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. 27-નવેમ્બરની મેચ પહેલી જ હશે, જેમાં કોરોના રોગચાળો ચાલુ હોવા છતાં 117 દિવસ પછી પહેલી જ વાર સ્ટેડિયમમાં દર્શકોની હાજરી હશે.
સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકો હાજર રહી શકશે
આ પહેલાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની યજમાની કરી હતી. જોકે ત્યારે દર્શકોને સ્ટેડિયમમાં હાજર રહેવાની મંજૂરી અપાઈ નહોતી અને ખાલી સ્ટેડિયમો વચ્ચે મેચો રમાઈ હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચો વખતે સ્ટેડિયમની ક્ષમતા કરતાં 50 ટકા દર્શકોને જ અંદર પ્રવેશવા દેવામાં આવશે. 27 નવેમ્બરે સિડનીમાં પહેલી વન-ડે મેચ બાદ બીજી મેચ 29મીએ સિડનીમાં જ અને ત્રીજી મેચ 2 ડિસેમ્બરે કેનબેરાના માનુકા ઓવલમાં રમાશે. ત્યારબાદ 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અનુક્રમે 4, 6 અને 8 ડિસેમ્બરે કેનબેરા, સિડની અને ફરી સિડનીમાં રમાશે.