પાકિસ્તાનને હરાવનાર સચીનની તે ઈનિંગ્ઝ બેસ્ટઃ ઈન્ઝમામ

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે કહ્યું છે કે સચીન તેંડુલકરે 2003ની વર્લ્ડ કપ સ્પર્ધામાં પાકિસ્તાન સામે કરેલા 98 રનનો દાવ પોતાના મતે મહાન બેટ્સમેનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્ઝમાંની એક હતી. 2003ની 1 માર્ચે દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન શહેરમાં રમાઈ ગયેલી તે મેચમાં પાકિસ્તાને 273 રન કર્યા હતા અને ભારતે સચીનના 98 રનના દાવના જોરે લક્ષ્ય ચેઝ કરીને જીત હાંસલ કરી હતી.

ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના યૂટ્યૂબ શો ‘ડીઆરએસ વિથ એશ’માં ઈન્ઝમામે કહ્યું હતું કે, મેં સચીનને ઘણું રમતા જોયા હતા, પણ તે મેચ જેવી બેટિંગ મેં ક્યારેય જોઈ નહોતી. એ પરિસ્થિતિમાં એમણે અમારા કાતિલ ફાસ્ટ બોલરોનો જે રીતે સામનો કર્યો હતો એ અફલાતુન હતો. શોએબ અખ્તરના બોલમાં આઉટ થતા પહેલા એમણે 98 રન કર્યા હતા. મારા મતે સચીનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્ઝમાંની તે એક હતી.

ઈન્ઝમામે વધુમાં કહ્યું કે, સચીને તે બેટિંગ કરીને ભારતીય ટીમ પરનું દબાણ દૂર કરી દીધું હતું. અમારી પાસે ત્યારે વાસીમ અકરમ, વકાર યુનિસ, અખ્તર જેવા ધુરંધર ફાસ્ટ બોલરો હતા. એમને કારણે અમને અમારી ટીમની જીત પર વિશ્વાસ હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]