‘શાર્દુલ ‘MoM’ એવોર્ડનો ખરો હકદાર’: રોહિતનો એકરાર

લંડનઃ ભારતે ગઈ કાલે અહીંના ઓવલ મેદાન પરની ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 157-રનથી હરાવીને પાંચ-મેચોની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી છે. ભારતના ઓપનર રોહિત શર્માને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો, ભારતમાં અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ તે નિર્ણયથી નારાજ થયા છે. લોકોનું કહેવું છે કે આ એવોર્ડ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને આપવો જોઈતો હતો, જેણે બંને દાવમાં બહાદુરીપૂર્વક બેટિંગ કરીને અડધી સદીઓ ફટકારી હતી અને બોલિંગમાં કુલ 3 કિંમતી વિકેટો પણ લીધી હતી. જેમાંની એક વિકેટ ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટની હતી, જેને ઠાકુરે બીજા દાવમાં ક્લીન બોલ્ડ કર્યો હતો. રોહિત શર્માએ ભારતના બીજા દાવમાં 127 રન કર્યા હતા અને તેણે નાખેલા પાયા ઉપર ભારતના બીજા દાવનું ચણતર થયું હતું અને ભારત 466 રનનો સ્કોર ખડો કરીને ઈંગ્લેન્ડને મેચ જીતવા 368 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપી શક્યું હતું. છેલ્લા 50 વર્ષોમાં ઓવલ મેદાન પર ભારતનો આ પહેલો ટેસ્ટમેચ વિજય છે.

ગઈ કાલે ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ મેળવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ખુદ રોહિત શર્માએ પણ કબૂલ કર્યું હતું કે, આ એવોર્ડ માટે શાર્દુલ મારી જેટલો જ હકદાર હતો. મારી સાથે એને પણ આ એવોર્ડ આપવો જોઈતો હતો. મારું માનવું છે કે શાર્દુલનો દેખાવ મેચ-વિનિંગ હતો. સાચું કહું તો આ એવોર્ડ માટે એ પણ હકદાર હતો. બીજા દાવમાં ઈંગ્લેન્ડે એકેય વિકેટ ગુમાવ્યા વગર 100 રન કરી લીધા હતા ત્યારે શાર્દુલે જ રોરી બર્ન્સ (50)ને આઉટ કરીને ભારતને મહત્ત્વની સફળતા અપાવી હતી. ત્યારબાદ એણે રૂટને આઉટ કર્યો હતો, જે વિકેટની અમને ખૂબ જ તલાશ હતી.