મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો મેચ દરમિયાન એમના હરીફો વિરુદ્ધ સ્લેજિંગ (અપશબ્દો ઉચ્ચારવાની ખરાબ આદત) માટે બદનામ થયેલા છે. પરંતુ તેના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું છે કે ભારતીય ટીમ સામેની આગામી શ્રેણીઓ વખતે અમે જુદો જ અભિગમ અપનાવીશું અને એમની સામે અપશબ્દો ઉચ્ચારવાનું ટાળીશું.
વોર્નરે કહ્યું છે કે અમે ભારતીય ખેલાડીઓને અમારા ક્રિકેટ કૌશલ્ય દ્વારા હરાવવાનો પ્રયત્ન કરીશું અને અમારી લાગણીના ઉન્માદને અંકુશમાં રાખીશું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન-ડે ઈન્ટરનેશનલ્સ, 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સ અને 4 ટેસ્ટ મેચોની શ્રેણીઓ રમાવાની છે. પહેલી વન-ડે મેચ 27 નવેમ્બરે સિડનીમાં રમાશે એ સાથે જ બંને ટીમ વચ્ચેનો બહુપ્રતિક્ષિત જંગ શરૂ થશે.
