બ્રિજટાઉનઃ કેરિબીયન પ્રવાસે આવેલી ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ ટીમ વચ્ચે બે-મેચની ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ગઈ છે અને હવે આજથી ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી શરૂ થશે. આજે પહેલી વન-ડે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં રમશે. બીજી બાજુ, વેસ્ટ ઈન્ડિઝ ટીમનો દેખાવ વર્લ્ડ કપ ક્વાલિફાઈંગ રાઉન્ડમાં અત્યંત ખરાબ રહ્યો હતો અને તે વર્લ્ડ કપ-2023માંથી બહાર ફેંકાઈ ગઈ છે.
(તસવીર સૌજન્યઃ @windiescricket)
ભારતીય સમય મુજબ આજે સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચનું દૂરદર્શનની ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તદુપરાંત ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ અને ફેનકોડ એપ પર કરવામાં આવશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 139 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાઈ ચૂકી છે. એમાં વેસ્ટ ઈન્ડિઝે 63માં જીત મેળવી છે જ્યારે ભારતે 70માં. બે મેચ અનિર્ણિત રહી હતી અને ચાર મેચનું પરિણામ આવ્યું નહોતું.
ભારતની સંભવિત ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકૂર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.
વેસ્ટ ઈન્ડિઝની સંભવિત ઈલેવનઃ શે હોપ (કેપ્ટન, વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, કાઈલ મેયર્સ, રોવમન પોવેલ, શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, એલેક એથનેઝ, અલ્ઝારી જોસેફ, યાનિક કરિયા, રોમારિયો શેફર્ડ, ઓશેન થોમસ.