રવિન્દ્ર-પટેલની આખરી જોડીએ કાનપુર ટેસ્ટમાં ભારતને જીતવા ન દીધું

કાનપુરઃ કામચલાઉ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણે અને તેના સાથીઓને આજે અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે નિરાશા ઉપજી. તેઓ પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ન શક્યા અને મેચ ડ્રોમાં પરિણમી. કેન વિલિયમસનની ટીમને જીતવા માટે ભારતે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચને અંતે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 9 વિકેટના ભોગે 165 રન કર્યા હતા. ભારતની નિશ્ચિત જણાતી હતી. પ્રવાસી ટીમે 155 રનના સ્કોરમાં 9 વિકેટ ખોઈ દીધી હતી. મેચ પૂરી થવાને 30-40 મિનિટનો સમય બાકી હતો. ભારતે માત્ર એક જ વિકેટ લેવાની બાકી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડના નવોદિત ખેલાડી રચિન રવિન્દ્ર અને આખરી બેટ્સમેન એજાઝ પટેલ, જે બંને ડાબોડી બેટ્સમેન છે, તેમણે જરાય મચક ન આપી અને મેચને ડ્રોમાં ખેંચી ગયા. બંનેએ મળીને 52-બોલનો સામનો કર્યો હતો. મેચ પૂરી થવાને 12-13 મિનિટનો સમય બાકી હતો, પણ મોડી સાંજને કારણે સૂર્યપ્રકાશ ઝાંખો થઈ ગયો હતો. ફિલ્ડ અમ્પાયરોએ લાઈટમીટર વડે ચેક કરીને કેપ્ટન રહાણેને કહ્યું હતું કે પાંચ મિનિટમાં જો પ્રકાશ સુધરશે નહીં તો મેચને પડતી મૂકી દેવાની રહેશે. પ્રકાશ સુધરે એવું લાગતું નહોતું. આખરે, રહાણે અને વિલિયમસન મેચને ડ્રો તરીકે પડતી મૂકી દેવા સંમત થયા હતા. અગાઉ, દિવસ દરમિયાન શાનદાર દેખાવ કરનાર ભારતના બોલરો 52 બોલમાં ન્યૂઝીલેન્ડની આખરી એક વિકેટ લઈ ન શક્યા અને જીતથી વંચિત રહી ગયા. રચિન રવિન્દ્ર 91 બોલ રમ્યો હતો અને 18 રન કર્યા હતા. 11મા બેટ્સમેન એજાઝ પટેલે 23 બોલનો સામનો કર્યો હતો અને બે રન કર્યા હતા.

બે-મેચની સિરીઝની આખરી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તે મેચમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે પાછો ફરશે. હજી હાલમાં જ દુબઈમાં રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપમાં વિલિયમસનની ટીમ સામે ભારતનો પરાજય થતાં ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં પહોંચી શકી નહોતી. તેથી કાનપુરમાં જીત મેળવીને તે પરાજયનો બદલો લેવાની ભારતીય ટીમને સુંદર તક મળી હતી, પરંતુ તેઓ એને હાંસલ કરી ન શક્યા.

કાનપુર ટેસ્ટમાં, ભારતના પહેલા દાવના 345 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડ ટીમ પહેલા દાવમાં 296 રન બનાવી શકી હતી. 49 રનની લીડ મેળવનાર ભારતે બીજો દાવ 7 વિકેટે 234 રને ડિકલેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડના બીજા દાવમાં ભારતના ત્રણ સ્પિનર – રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે પ્રવાસી ટીમમાં ફફડાટ મચાવી દીધો હતો. ડાબોડી સ્પિનર જાડેજાએ 28 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી હતી, ઓફ્ફ સ્પિનર અશ્વિને 30 ઓવરમાં 35 રનમાં 3 વિકેટ લીધી હતી જ્યારે ડાબોડી સ્પિનર અક્ષર પટેલે 21 ઓવર ફેંકીને એક વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઉમેશ યાદવને એક વિકેટ મળી હતી. અન્ય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા બંને દાવમાં એકેય વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો. ન્યૂઝીલેન્ડના બીજા દાવમાં ઓપનર ટોમ લેથમ 52 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન વિલિયમસન (24) ક્રીઝ પર હતો ત્યાં સુધી ટીમ પરાજયમાંથી બચવાની આશા રાખતી હતી, પણ ત્યારબાદ બીજી ત્રણ વિકેટ ભારતના બોલરોએ પાડી દીધી હતી. પોતાની પહેલી જ ટેસ્ટમેચના પહેલા દાવમાં સદી અને બીજા દાવમાં અડધી સદી ફટકારનાર શ્રેયસ ઐયરને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]