મુંબઈ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને અત્રે દક્ષિણ મુંબઈસ્થિત વાનખેડે સ્ટેડિયમ ખાતેના તેના મુખ્યાલયને આવતીકાલથી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
બોર્ડના સત્તાધિશોએ તમામ કર્મચારીઓને આવતીકાલથી વધુ આદેશો ન મળે ત્યાં સુધી પોતપોતાના ઘેરથી જ કામ કરવાનું જણાવ્યું છે.
વધુ આદેશ ન મળે ત્યાં સુધી તમામ પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિઓને ક્રિકેટ બોર્ડે સસ્પેન્ડ કરાવી દીધી છે.
બોર્ડના સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે બોર્ડનું મુખ્યાલય કોરોના વાઈરસને કારણે બંધ રહેશે. મુખ્યાલયના તમામ કર્મચારીઓને પોતપોતાના ઘેરથી કામ કરવાનું જણાવી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને કારણે જ બીસીસીઆઈએ આઈપીએલ ક્રિકેટ લીગ સ્પર્ધાને 15 એપ્રિલ સુધી મુલતવી રાખી દીધી છે. એવી જ રીતે, ઈરાની ટ્રોફી તથા મહિલાઓની ચેલેન્જર ટ્રોફી સહિતની તમામ સ્થાનિક સ્પર્ધાઓને પણ મુલતવી રાખી દીધી છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 115 દર્દીઓ નોંધાયા છે. બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે.
દુનિયાભરમાં, દોઢસોથી વધારે દેશોમાં કોરોના વાઈરસ ફેલાયો છે અને તેણે અત્યાર સુધીમાં 6,400 જેટલા લોકોનો ભોગ લીધો છે.મ