વર્લ્ડકપમાં બોલિંગની જવાબદારી નિભાવવા સુસજ્જ થઈ રહ્યો છુંઃ હાર્દિક

બ્રિજટાઉનઃ વેસ્ટ ઈન્ડિઝ ગઈ કાલે અહીં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 6-વિકેટથી હરાવી 3-મેચની સીરિઝ 1-1થી સમાન કરી ગયું. આ મેચમાં ભારતીય ટીમનું સુકાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સંભાળ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. મધ્યમ ઝડપી બોલર તરીકે હાર્દિકે આ મેચમાં 6.4 ઓવર ફેંકી હતી જેમાં 38 રન આપ્યા હતા, પણ એકેય વિકેટ મેળવવામાં સફળતા મળી નહોતી. પહેલી વન-ડેમાં એણે ત્રણ ઓવર ફેંકી હતી અને 17 રન આપીને એક વિકેટ લીધી હતી.

એવું મનાય છે કે આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે ODI વર્લ્ડ કપ યોજાય તે પૂર્વે ક્રિકેટ બોર્ડ હાર્દિકને બોલર તરીકે સક્ષમ બનાવવા માગે છે. હાર્દિકે પોતાની પર નાખવામાં આવેલી બોલિંગની અતિરિક્ત જવાબદારીને વધારવા ઉત્સાહી છે. ઈજા અને સર્જરીને કારણે ખાસ્સો એવો સમય સુધી મેદાનથી દૂર રહેલા હાર્દિક પર હાલ માત્ર મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાં જ બોલિંગનો બોજો નાખવામાં આવ્યો છે. ‘મારું શરીર સરસ રીતે કામ કરી રહ્યું છે. મારે વધારે ઓવર ફેંકવી પડશે અને વર્લ્ડ કપ માટે આ જવાબદારી નિભાવવામાં વધારે જોર લગાવવાનું છે. વર્લ્ડ કપમાં હું બોલિંગમાં સફળ રહીશ એવી મને આશા છે. હાલને તબક્કે તો હું સસલું નહીં, પણ કાચબો છું અને વર્લ્ડ કપ શરૂ થાય ત્યારે હું બધી રીતે સુસજ્જ થાઉં એવી આશા રાખું છું,’ એમ તેણે કહ્યું છે.