ICCનો પાકિસ્તાનને આંચકોઃ ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જાય PoK

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને માહોલ ગરમ થયો છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની સ્પષ્ટ ના પાડી છે. BCCIએ ICCને આ વાતની માહિતી આપી છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે કોઈ પણ કિંમતે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન આ માટેનું કારણ માગી રહી છે. BCCIએ એ માટે સુરક્ષા કારણોનો હવાલો આપ્યો છે.

એ દરમ્યાન પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ટુરનું આયોજન કર્યું હતું અને PoKના ત્રણ શહેરોમાં લઈ જવાની વાત હતી, પરંતુ હવે ICCએ એ માટે સ્પષ્ટ ના પાડી દીધી છે, કે ચેમ્પિયન્સ ટ્રોફી કોઈ પણ વિવાદિત સ્થળે નહીં જાય. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટ્રોફી પ્રવાસ માટે તૈયાર છે. એટલે કે આ ટ્રોફીને પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસની પણ જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે..

જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે પાકિસ્તાન તૈયાર થઈ જાઓ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરે ઈસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવાં પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ જાહેરાત બાદ ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈ પણ વિવાદિત PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં લઈ જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.