‘ટીમ ઈન્ડિયા માટેનો એ નિર્ણય કેન્દ્રિય ગૃહમંત્રાલય લેશે’

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, ‘આવતા વર્ષે નિર્ધારિત ODI એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમે પાકિસ્તાન જવું કે નહીં એ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય લેશે, કારણ કે આપણા ખેલાડીઓની સલામતીનો મુદ્દો મહત્ત્વનો છે.’ ઉલ્લેખનીય છે કે ઠાકુરે આ નિવેદન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક નિવેદનના સંદર્ભમાં કર્યું છે. પીસીબીએ એવી ધમકી ઉચ્ચારી છે કે જો ભારતીય ટીમ આવતા વર્ષે એશિયા કપમાં રમવા પાકિસ્તાનમાં નહીં આવે તો પાકિસ્તાન આવતા વર્ષે ભારતમાં નિર્ધારિત ODI વર્લ્ડ કપ સ્પર્ધા સહિત ભારતમાં ભવિષ્યમાં યોજાનાર તમામ આઈસીસી યોજિત સ્પર્ધાઓનો બહિષ્કાર કરશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે ભારતીય ટીમને આવતા વર્ષે ODI એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન મોકલવામાં નહીં આવે. તે સ્પર્ધા કોઈ તટસ્થ ભૂમિ પર યોજી શકાશે. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ પણ છે.

ભારતીય ટીમ છેલ્લે 2005-06માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ત્યારે ટીમનો કેપ્ટન રાહુલ દ્રવિડ હતો. 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં પાકિસ્તાનના સમર્થનવાળા આતંકવાદીઓએ કરેલા ભયાનક હુમલાઓ તેમજ તે પછી પઠાણકોટ એરબેઝ પરના હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો સસ્પેન્ડ કરી દીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]