સિલ્વર મેડલવિજેતા પ્રવીણકુમારના પ્રથમ કોચ એટલે ગૂગલ

ટોક્યોઃ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં દિવ્યાંગજન પ્રવીણ કુમારે આજે પુરુષોના હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. દિલ્હીનિવાસી અને 18 વર્ષના પ્રવીણકુમારે આજે ઓલિમ્પિક સ્ટેડિયમમાં બીજું સ્થાન મેળવી રજત ચંદ્રક જીત્યો હતો. એમનો અંગત શ્રેષ્ઠ દેખાવ 2.05 મીટરનો હતો, જે એમણે આજે તોડ્યો છે. એમણે 2.07 મીટર ઊંચો કૂદકો લગાવીને નવો એશિયન રેકોર્ડ પણ સર્જીને રજત ચંદ્રક જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ-2021માં ભારતે જીતેલા ચંદ્રકોની સંખ્યા 13 થઈ છે. જેમાં બે સુવર્ણ, છ રજત અને 5 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.

પ્રવીણ કુમારને આ સિદ્ધિ અપાવવામાં અમેરિકાની ટેક્નોલોજી કંપની ગૂગલનો મોટો ફાળો રહ્યો છે. પ્રવીણ કુમારે કહ્યું કે ગૂગલે એમના પ્રથમ કોચ તરીકે ભૂમિકા ભજવી છે. જ્યારે એમને પેરા-એથ્લેટિક્સ વિશે કોઈ જ્ઞાન-જાણકારી નહોતાં ત્યારે એમણે આ રમત વિશેની બેઝિક માહિતી માટે ગૂગલનો સહારો લીધો હતો. ‘હું પહેલા તો વોલીબોલ ખેલાડી હતો. પણ 2016માં મને પેરા-એથ્લેટિક્સ અને હાઈ જમ્પ તરફ આકર્ષણ થયું હતું અને તે વિશે જાણવાનું મન થયું હતું. હું ગૂગલ પર હાઈ જમ્પ વિશેના વિડિયો જોતો હતો અને એમાંથી શીખતો હતો. મને એ વિશે ત્યારે શીખડાવનાર કોઈ નહોતું. બાદમાં, જિલ્લા સ્તરે એક બેઠકમાં મને કોચ ડો. સત્યપાલ વિશે જણાવવામાં આવ્યું હતું અને હું એમને મળ્યો હતો અને તેઓ મને તાલીમ આપવા તૈયાર થયા હતા.’

આ છે ભારતના અત્યાર સુધીના મેડલવિજેતાઓઃ

સુવર્ણ ચંદ્રક વિજેતાઃ અવની લેખરા (શૂટિંગ 10 મીટર રાઈફલ), સુમિત અંતીલ (પુરુષ ભાલાફેંક (જેવેલીન થ્રો).

રજત ચંદ્રક વિજેતાઃ ભાવિના પટેલ (ટેબલ ટેનિસ), યોગેશ કઠુનિયા (ડિસ્કસ થ્રો), નિશાદ કુમાર (હાઈ જમ્પ), દેવેન્દ્ર ઝાઝરિયા (જેવેલીન થ્રો), મરિઅપ્પન થાંગાવેલુ (હાઈ જમ્પ), પ્રવીણ કુમાર (હાઈ જમ્પ).

કાંસ્ય ચંદ્રક વિજેતાઃ સુંદરસિંહ ગુર્જર (જેવેલીન થ્રો), શરદ કુમાર (હાઈ જમ્પ), સિંગરાજા અદાના (મેન્સ શૂટિંગ), અવની લેખરા (શૂટિંગ 50 મીટર રાઈફલ), હરવિન્દર સિંહ (તીરંદાજી)