કાઠમંડુઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ પ્રભાકરને નેપાળની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વડા કોચ તરીકે નિયુક્તિ થઈ છે. 59 વર્ષીય ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કેનેડિયન પુબુદુ દસાનાયકેની જગ્યા લેશે. દસાનાયકેએ 20 જુલાઈએ વેયક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું. છેલ્લા 20 મહિનામાં શ્રીલંકાના ભૂતપૂર્વ કપવિજેતા કોચ ડેવ વોટમોર અને દસાનાયકે બાદ પ્રભાકરની નેપાળની ટીમના ત્રીજા કોચ તરીકે પસંદગી થઈ છે. બંને પોતાનો કાર્યકાળ પૂરો થયા પહેલાં કોચનું પદ છોડી દીધું હતું.
કેન પ્રેસિડેન્ટ ચતુર બહાદુર ચાંદે જણાવ્યું હતું કે પ્રભાકરને એક વર્ષનો કોન્ટ્રેક્ટ ઓફર કરવામાં આવ્યો છે. તે આગામી ચાર-પાંચ દિવસમાં નેપાળ પહોંચશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રભાકર તેમનો કાર્યકાળ પૂરો કરશે.
પ્રભાકર ભારત તરફથી 1984થી 1996 સુધી 39 ટેસ્ટ અને 130 વનડે મેચો રમ્યો છે. આ પહેલાં તે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની રણજી ટીમનો કોચ રહી ચૂક્યો છે. તે 2016માં અફઘાનિસ્તાનની નેશનલ ટીમનો બોલિંગ કોચ પણ હતો. કોચ બન્યા પછી તેણે કહ્યું હતું કે નેપાળમાં જે રીતે ક્રિકેટ પ્રત્યેનો રસ વધી રહ્યો છે, એ જોતાં હું નેપાળના ક્રિકેટના ભવિષ્ય માટે આશાવાદી છું, કેમ કે નેપાળમાં યુવા ક્રિકેટરોમાં પ્રતિભાઓ અને ટેલેન્ટ પણ છે. હું મારી નવી ભૂમિકાઓ લઈને બહુ ઉત્સાહિત છું. હું નેપાળને ક્રિકેટની એક મહત્ત્વની શક્તિ બનાવવા ઇચ્છું છું, એમ તેણે કહ્યું હતું.