મુંબઈઃ ICC વનડે વર્લ્ડ કપ આ વર્ષે ભારતની યજમાનીમાં રમાશે. વર્લ્ડ કપનું આયોજન પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે રમાશે. ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર એવું થશે કે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં ભારત 1987, 1996 અને 2011ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરી ચૂક્યું છે. મુંબઈમાં 13મા વર્લ્ડ કપનું શિડ્યુઅલ જારી કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ કપનો પ્રારંભ પાંચ ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ગલેન્ડ અને ગયા વખતના રનર-અપ ન્યુ ઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં રમાશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની રસપ્રદ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
— BCCI (@BCCI) June 27, 2023
વર્લ્ડ કપમાં 10 ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એકમેક સામે રમશે, જેમાં 45 મેચો રમાશે. ત્યાર પછી સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે. પહેલી સેમી ફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અને બીજી સેમી ફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે.
આ વર્ષે વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લેશે. યજમાન હોવાને કારણે ભારતને ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે, જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બંગલાદેશ, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ સુર લીગ દ્વારા જગ્યા મેળવી છે. બે અન્ય ટીમો પણ વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં જગ્યા બનાવશે, જે હાલ ઝિમ્બામ્બેમાં રમાઈ રહી છે.