દોહાઃ ફ્રાન્સની ફૂટબોલ ટીમ બીજી સેમી ફાઈનલ મેચમાં મોરોક્કોને 2-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં સતત બીજી વાર પહોંચી છે. આવતા રવિવારની ફાઈનલમાં તેનો મુકાબલો લિયોનેલ મેસ્સીના સુકાનીપદ હેઠળની આર્જેન્ટિના સાથે થશે. ગઈ વેળાની – 2018ની સ્પર્ધામાં ફ્રાન્સ ફાઈનલ મેચમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. તેણે વિજેતા ટ્રોફી બે વાર જીતી છે. આર્જેન્ટિના પણ બે વાર ચેમ્પિયન બની ચૂક્યું છે. બ્રાઝિલ સૌથી વધારે – પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. જર્મની અને ઈટાલી 4-4 વખત વિજેતા બન્યા છે.
ગઈ કાલની સેમી ફાઈનલમાં ફ્રાન્સના થીઓ હર્નાન્ડિઝે પાંચમી મિનિટે ગોલ કર્યો હતો. હાફ-ટાઈમે સ્કોર 1-0 હતો. 79મી મિનિટે ફ્રાન્સના રેન્ડલ મુઆનીએ ગોલ કર્યો હતો. મોરોક્કો ફિફ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચનાર આફ્રિકા ખંડની પહેલી જ ટીમ બની હતી. ફ્રાન્સ સામે હારી જવાથી ફાઈનલમાં પહોંચવાનું એનું સપનું સાકાર થઈ શક્યું નથી. ફ્રાન્સની ટીમ આ ચોથી વાર વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. 1998માં એણે ફાઈનલમાં પહોંચીને વિજેતા ટ્રોફી જીતી હતી. 2006માં એ ફાઈનલમાં હારી ગઈ હતી. સામે છેડે, આર્જેન્ટિના છઠ્ઠી વાર ફાઈનલમાં પહોંચી છે. તે 1978 અને 1986, એમ બે વાર ચેમ્પિયન બની છે.
રવિવારની ફાઈનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ ટીમ વચ્ચેના જંગ ઉપરાંત 35 વર્ષીય મેસ્સી અને ફ્રાન્સના 23 વર્ષીય સુપરસ્ટાર કાઈલિયન એમ્બાપ્પે વચ્ચેનો વ્યક્તિગત જંગનો પણ રોમાંચ જામ્યો છે. આ બંને ખેલાડી વર્તમાન સ્પર્ધામાં પાંચ-પાંચ ગોલ કરી ચૂક્યા છે. ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ કોને મળે છે એ જોવા ફૂટબોલપ્રેમીઓ આતુર છે.