અર્જુન તેંડુલકરે રણજી-ટ્રોફી પ્રવેશે જ સદી ફટકારી

પોર્વોરીમ (ગોવા): અહીં રણજી ટ્રોફી સ્પર્ધામાં ગ્રુપ-Cમાં રાજસ્થાન સામેની મેચમાં ગોવા વતી પોતાની કારકિર્દીની પહેલી જ મેચ રમતા અર્જુન તેંડુલકરે આજે સદી ફટકારી છે. આ સિદ્ધિ હાંસલ કરીને તેણે એના મહાન બેટર સચીન તેંડુલકરની બરોબરી કરી છે, જેમણે પણ એમના રણજી પદાર્પણ મેચમાં સદી ફટકારી હતી.

ગોવા ક્રિકેટ એસોસિએશન એકેડેમી ગ્રાઉન્ડ ખાતે રમાતી મેચમાં આજે બીજો દિવસ હતો. 23 વર્ષીય અર્જુન પાંચમી વિકેટ પડ્યા બાદ સાતમા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. એણે 179 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી. સચીન તેંડુલકરે 1988ની 11 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત સામેની રણજી ટ્રોફી મેચમાં અણનમ 100 રન કર્યા હતા. એ તેમની કારકિર્દીની પહેલી જ મેચ હતી. એ વખતે સચીનની વય 15 વર્ષ અને 232 દિવસ હતી. સૌથી નાની વયે રણજી ડેબ્યૂ સદી ફટકારવાનો વિક્રમ સચીનના નામે છે. અર્જુન તેંડુલકર આજે 23 વર્ષ અને 81 દિવસની વયનો છે.

ડાબોડી બેટર અર્જુને તેના 100 રન પૂરા કરતી વખતે 12 ચોગ્ગા અને બે છગ્ગા પણ ફટકાર્યા હતા. એણે 56ના સ્ટ્રાઈક રેટ સાથે સદી ફટકારી હતી. એમાં 131 ડોટ બોલ હતા. એણે રાજસ્થાનના લગભગ પ્રત્યેક બોલરનો સામનો કર્યો હતો. તે આખરે 120 રન કરીને આઉટ થયો હતો. એણે સુયશ પ્રભુદેસાઈ (212) સાથે મળીને 221 રનની ભાગીદારી કરી હતી. દિવસની રમતને અંતે ગોવાએ તેના પહેલા દાવમાં 8 વિકેટે 493 રન બનાવ્યા હતા.

અર્જુને આ પહેલાં મુંબઈ ટીમ વતી રણજી સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ એને રમવાનો મોકો મળ્યો નહોતો. એટલે તેણે આ મોસમના આરંભ પૂર્વે જ ગોવા ટીમ વતી રમવાનો નિર્ણય લીધો અને તેણે પદાર્પણ સાથે જ સદી ફટકારી દીધી છે.