IND vs BAN TEST : બીજા દિવસને અંતે ભારત 271 રનની લીડથી આગળ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બાંગ્લાદેશના ચટ્ટોગામ ખાતે રમાઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. આ મેચમાં ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચેતેશ્વર પુજારા, શ્રેયસ અય્યર અને અશ્વિને અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં બીજા દિવસના અંતે બાંગ્લાદેશની ટીમે 133 રનમાં આઠ વિકેટ ગુમાવી છે. હાલ ભારત પાસે 271 રનની લીડ છે અને મેચમાં હજી ત્રણ દિવસની રમત બાકી છે. બીજા દિવસે ભારતે 278/6ના સ્કોરથી પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ શ્રેયસ અય્યર જલ્દી જ આઉટ થઈ ગયો હતો અને તેની સદી પૂરી કરી શક્યો નહીં. શ્રેયસ અય્યરે 86 રન બનાવ્યા હતા.

કુલદીપ અને અશ્વિને આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી

આ પછી કુલદીપ યાદવ અને અશ્વિને આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને ભારતના સ્કોરને 385 રન સુધી પહોંચાડ્યો હતો. જો કે બાદમાં અશ્વિન 58 અને કુલદીપ 40 રન બનાવીને આઉટ થયા હતા. અંતે ઉમેશ યાદવે બે છગ્ગા મારીને ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ અને મેહદી હસનને 4-4 વિકેટ લીધી હતી. જ્યારે ખાલેદ અહેમદ અને ઇબાદત હસનને 1-1 સફળતા મળી હતી.

બાંગ્લાદેશે દિવસના અંતે 8 વિકેટના નુકસાને 133 રન બનાવ્યા

બાંગ્લાદેશે તેની પહેલી ઈનિંગ દરમ્યાન દિવસના અંતે 8 વિકેટના નુકસાને 133 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ઇનિંગ્સના પહેલા જ બોલે મોહમ્મદ સિરાજે નજમુલ હસન શાંતોની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ઉમેશ યાદવે પણ ચોથી ઓવરમાં યાસિર અલીને બોલ્ડ કર્યો હતો. સિરાજે કુલ 3 વિકેટ લઈને બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને બેઠું કરી દીધુ હતું. જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ લઈને બાંગ્લાદેશના મિડલ ઓર્ડરને તોડી પાડ્યું હતું.

બાંગ્લાદેશની બે વિકેટ બાકી

બાંગ્લાદેશની તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ રન ફટકાર્યા હતા. તેણે 28 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત લિટન દાસે 24 અને ઝાકિર હસને પણ 20 રન બનાવ્યા હતા. જ્યારે નુરુલ હસન 16 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય બાકીના બેટ્સમેનો ભારતનાં ખતરનાક બોલિંગ ઓર્ડર સામે ઘૂંટણીએ આવી પડ્યાં હતા. હાલ બાંગ્લાદેશની બે વિકેટ બાકી છે અને ટીમ ઈન્ડિયા પાસે 271 રનની લીડ છે. મેહિદી હસન મિરાજ અને ઇબાદત હસન ક્રિઝ પર છે અને ત્રીજા દિવસે આ જોડી પોતાની ટીમને ફોલોઓનથી બચાવવાનો ચોક્કસથી પ્રયાસ કરશે.

કુલદીપે 4 અને સિરાજે 3 વિકેટ ઝડપી

અત્યાર સુધી ભારત તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી છે. કુલદીપે 4 અને સિરાજે 3 વિકેટ ઝડપી છે, જ્યારે ઉમેશ યાદવને 1 વિકેટ મળી છે. ત્રીજા દિવસે ભારતીય બોલરો ઝડપથી બાંગ્લાદેશની ટીમને ઓલઆઉટ કરે એવો પ્રયત્ન કરશે.