કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સમાં બે વિકેટ ગુમાવાની સાથે 57 રન કર્યા છે અને કુલ 70 રનની લીડ મેળવી છે. જોકે સાઉથ આફ્રિકાના બેટ્સમેન કિગન પીટરસને કહ્યું છે કે મેં મારી કારકિર્દીમાં હાલના જેવું ભારતીય બોલિંગનું આક્રમક આક્રમણ નથી જોયું. હાલનું બોલિંગ આક્રમણ સૌથી પડકારજનક છે. ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતીય બોલરોએ ધમાકેદાર દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે સાઉથ આફ્રિકાને 210 સુધી સીમિત રાખ્યું હતું અને 13 રનોની લીડ મેળવી હતી.
ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીના આક્રમક બેટિંગ દેખાવ પછી જસપ્રીત બુમરાહની અસરકારક બોલિંગ દેખાવને લીધે કેપટાઉનના ન્યુલેન્ડ્સનીમ ભારતે મેચમાં ફરી પકડ મેળવી છે.
ભારતની તેજ બેટરી દરેક વખતે દક્ષિણ આફ્રિકી બેટ્સમેનોને એક મિનિટ પણ રાહતનો શ્વાસ નથી લેવા દેતી. યજમાન ટીમે આક્રમક આક્રમણ સામે હંમેશાં સાવધ રહેવું પડે છે. આ મારી કારકિર્દીનો સૌથી પડકારજનક સમય છે, એમ તેણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું. આ બોલિંગ આક્રમણ સામે જો એક વખત પણ બેધ્યાન થવાયું તો તમારી વિકેટ ગઈ સમજો.
ભારતીય બોલિંગ આક્રમણ તમને રન બનાવવાની તક નથી આપતી. હાલ વિશ્વમાં સૌથી સારું ભારતીય બોલિંગ અટેક છે. પીટરસને પહેલી ઇનિંગ્સમાં 72 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 210 રનમાં પેવેલિયન ભેગી થઈ હતી.