ચેન્નાઈઃ પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમે આપેલા 420 રનના ટાર્ગેટને ભારતીય ટીમ ચેઝ કરી શકી નથી અને આજે પાંચમા તથા આખરી દિવસે પહેલી ટેસ્ટ મેચ 227-રનના માર્જિનથી હારી ગઈ છે. ભારતનો બીજો દાવ માત્ર 192 રનમાં જ પૂરો થઈ ગયો. આ સાથે ચાર-મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. બીજી ટેસ્ટ ચેન્નાઈના આ જ ચેપોક મેદાન પર 13 ફેબ્રુઆરીથી રમાશે. ત્યારબાદ બાકીની બે ટેસ્ટ મેચ અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં રમાશે.
ભારતે 1 વિકેટે 39 રનના તેના ગઈ કાલના અધૂરા દાવને આજે વધાર્યો હતો. ગઈ કાલનો અણનમ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (15) આજે પહેલો આઉટ થયો હતો. શુભમન ગિલ (50) અને કેપ્ટન વિરાટ કોહલી (72) સિવાય બીજા કોઈ બેટ્સમેનનો સ્કોર ઉલ્લેખનીય નથી. અજિંક્ય રહાણે ઝીરો પર આઉટ થયો હતો. રિષભ પંત 11, વોશિંગ્ટન સુંદર ઝીરો, રવિચંદ્રન અશ્વિન 9, શાહબાઝ નદીમ ઝીરો, જસપ્રીત બુમરાહ 4 રન કરીને આઉટ થયો હતો. ઈશાંત શર્મા પાંચ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડનો ડાબોડી સ્પિનર જેક લીચ 26 ઓવરમાં 76 રન આપીને 4 વિકેટ લઈને ટીમનો સૌથી બેસ્ટ બોલર રહ્યો. અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગિલ, રહાણે અને પંતની કિંમતી વિકેટો લીધી હતી. કોહલી આઉટ થયો હતો બેન સ્ટોક્સની બોલિંગમાં, સુંદરની વિકેટ લીધી હતી ડાબોડી સ્પિનર ડોમ બેસે અને છેલ્લે બુમરાહને આઉટ કર્યો હતો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે. ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો, જેણે પહેલા દાવમાં 218 અને બીજા દાવમાં 40 રન કર્યા હતા.