ટાટા મુંબઈ મેરેથોન 30 મેએ યોજાશે

મુંબઈઃ ટાટા મુંબઈ મેરેથોન દોડ આમ તો ઘણા વર્ષોથી દર જાન્યુઆરીના ત્રીજા રવિવારે યોજાતી આવી છે, પણ ગયા વર્ષથી ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાને કારણે અનેક પ્રકારના નિયંત્રણો હજી પણ લાગુ કરાયા હોવાથી પરંપરાનુસાર સમયે યોજી શકાશે નહીં, અને આવતી 30 મેએ યોજાશે. કાર્યક્રમના આયોજક પ્રોકેમ ઈન્ટરનેશનલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા તથા ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સંચાલક સંસ્થાઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ 30 મેએ 18મી ટાટા મુંબઈ મેરેથોન યોજવાનું નક્કી કરાયું છે.

આ વખતની મેરેથોનમાં પણ સ્પર્ધકોની સંખ્યા મર્યાદિત રખાશે. ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિ.મી.ની દોડ જાહેર માર્ગોને બદલે મેદાન પર યોજવામાં આવશે. દેશભરમાંથી તેમજ વિદેશમાંથી મર્યાદિત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકો કાર્યક્રમની એપ્લિકેશન મારફત ભાગ લઈ શકશે. આ મેરેથોન 2004ની સાલમાં શરૂ કરવામાં આવી હતી.

(તસવીરઃ @TataMumMarathon)