મેલબોર્નઃ આ શહેરમાં વરસાદે આજે T20 મેન્સ વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-1ની એક મેચનું પરિણામ આંચકાજનક આપ્યું તો બીજી મેચને સાવ રદ કરાવી દીધી. પહેલી મેચમાં આયરલેન્ડે ઈંગ્લેન્ડને ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (DLS) મેથડ અનુસાર પાંચ-રનથી પરાજય આપ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રદ કરાતાં બંને ટીમે 1-1 પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે.
T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં આયરલેન્ડનો આ પહેલો જ વિજય છે. ઈંગ્લેન્ડ પર તેનો આ ત્રીજો વિજય છે. પહેલો વિજય તેણે 2011ની ODI વર્લ્ડ કપમાં બેંગલોર ખાતેની મેચમાં મેળવ્યો હતો અને બીજો 2020માં સાઉધમ્પ્ટનમાં મેળવ્યો હતો. આયરલેન્ડે આ વખતની સ્પર્ધાના નિર્ણાયક પ્રથમ રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી, સ્પર્ધામાંથી બહાર ફેંકી સુપર-12 રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આજની મેચમાં, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતી આયરલેન્ડને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. આયરલેન્ડ ટીમ તેના કેપ્ટન એન્ડ્ર્યુ બેલબર્નીના 47 બોલમાં 62 રનના જોરે 19.2 ઓવરમાં 157 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બેલબર્ની અને વિકેટકીપર લોર્કેન ટકર (34)ની જોડીએ બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી.
ઈંગ્લેન્ડની ટીમ 14.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 105 રન કર્યા ત્યારે વરસાદે મેચ અટકાવી દીધી હતી. તે વખતે બટલરની ટીમ આયરલેન્ડ કરતાં પાંચ રન પાછળ રહી હોવાથી આયરલેન્ડને ડીએલએસ મેથડ અનુસાર વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. આયરલેન્ડની જીતને કારણે ગ્રુપ-1માં હરીફાઈ તીવ્ર બની ગઈ છે. ઈંગ્લેન્ડનો હવે પછીનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે છે. સેમી ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ઈંગ્લેન્ડે તે મેચ જીતવી જ પડશે.
ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન મેચ સદંતર ધોવાઈ ગઈ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-1માં બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે હતી, પણ વરસાદને કારણે તે શરૂ જ કરી શકાઈ નહોતી અને બંને ટીમને 1-1 પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ ટીમે સ્પર્ધાની પ્રારંભિક મેચમાં ઓસ્ટ્રેલિયાને 89-રનથી હરાવ્યું હતું. આમ, તે ગ્રુપ-1માં ટોચ પર છે.