શર્માની ભૂલને કારણે રાહુલની વિકેટ પડી

સિડનીઃ ભારતીય ટીમે આજે અહીં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-2ની મેચમાં નેધરલેન્ડ્સને 56-રનથી પરાજય આપ્યો. પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ બંને મેચ જીતીને ટોચ પર છે. રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ ભારતે 20 ઓવરમાં બે વિકેટના ભોગે 179 રનક ર્યા હતા. શર્મા 53 રન કરીને આઉટ થયા બાદ વિરાટ કોહલી (62 નોટઆઉટ) અને સૂર્યકુમાર યાદવ (51 નોટઆઉટ)ની જોડીએ 95 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ઓપનર કે.એલ. રાહુલ ફરી નિષ્ફળ ગયો હતો. એ માત્ર 9 રન જ કરી શક્યો હતો. એને ફાસ્ટ બોલર પૌલ વેન મીકરેને લેગબીફોર આઉટ કર્યો હતો. ઓનફિલ્ડ અમ્પાયરે એને આઉટ આપ્યો હતો, પણ રાહુલ નિર્ણયથી સંતુષ્ટ નહોતો. એણે એ વિશે નોન-સ્ટ્રાઈકર છેડે રમતા કેપ્ટન શર્મા સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે રિવ્યૂ લઉં કે નહીં? ત્યારે શર્માએ એને રિવ્યૂ ન લેવાનું કહ્યું હતું. રાહુલે રિવ્યૂ લીધો નહોતો અને એ પેવિલિયનમાં પાછો ફર્યો હતો. પરંતુ ત્યારબાદ ટીવી રિપ્લે પરથી સ્પષ્ટ માલુમ પડ્યું હતું કે તે બોલ સ્ટમ્પ પર લાગ્યો નહોતો (મિસિંગ સ્ટમ્પ). પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. રાહુલે ડ્રેસિંગ રૂમમાં બેસીને રિપ્લે જોયા હશે ત્યારે એને ચોક્કસપણે દુઃખ થયું હશે. જો શર્માએ રિવ્યૂ લેવા દીધો હોત તો રાહુલને ફરી રમવા મળ્યું હોત.