જાપાનમાં લોકડાઉન લંબાવાયું; ઓલિમ્પિક્સ વિલંબમાં પડી શકે

ટોકિયોઃ જાપાનમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી જતાં ફેલાવાને કાબૂમાં રાખવા માટે વડા પ્રધાન યોશિહીડે સુગાએ પાટનગર ટોકિયો તથા અન્ય મોટા શહેરોમાં ઈમરજન્સી લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યાની જાહેરાત કરી દીધી છે.

વડા પ્રધાનના આ નિર્ણયને પગલે ટોકિયો ઓલિમ્પિક્સના આયોજન પર ઘેરાં વાદળ ફરી વળ્યા છે. ગયા વર્ષે નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સ કોરોનાને કારણે મોકૂફ રખાયા બાદ હવે આ વર્ષે પણ ગેમ્સ આવતી 23 જુલાઈથી યોજી શકાય એવા સંજોગો નથી. એક સર્વેક્ષણ અનુસાર જાપાનમાં 80 ટકા લોકો એવું ઈચ્છે છે કે આ વર્ષે પણ ઓલિમ્પિક્સનું આયોજન રદ કરવું જોઈએ અથવા મોકૂફ રાખવું જોઈએ. ઓલિમ્પિક્સ માટે વિદેશી દર્શકોને જાપાનમાં પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે તે છતાં જાપાનની સરકાર અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એવો આગ્રહ રાખે છે કે ટોકિયો ઓલિમ્પિક્સને 23 જુલાઈથી યોજવી જ જોઈએ.