કાર્તિક કોલંબોમાં ખેલી ગયો જિંદગીનો બેસ્ટ દાવ

ટીમ ઈન્ડિયાએ આજે કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે T20 ઈન્ટરનેશનલ મેચો માટેની ટ્રાઈ-સિરીઝની અત્યંત રોમાંચક બની ગયેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને મેચના છેલ્લા બોલે 4-વિકેટથી હરાવીને નિદાહાસ ટ્રોફી જીતી લીધી છે.

બાંગ્લાદેશે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 166 રન કર્યા હતા. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 168 રન કરીને મેચ અને સિરીઝ જીતી લીધી.

ભારતની આ જીતનો હીરો રહ્યો દિનેશ કાર્તિક, જેણે માત્ર 8 જ બોલમાં 29 રન ઝૂડી કાઢ્યા હતા. સૌમ્યા સરકારે ફેંકેલી મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલે ભારતને મેચ જીતવા માટે પાંચ રનની જરૂર હતી અને કાર્તિકે એક્સ્ટ્રા કવર પરથી સિક્સર ફટકારી દીધી હતી.

કાર્તિકે વાસ્તવમાં ક્રીઝ પર આવતાવેંત મેચનું પાસું પલટી નાખ્યું હતું જે એ વખતે બાંગ્લાદેશની ફેવરમાં જતું રહ્યું હતું. ભારતને જીત માટે બે ઓવરમાં 34 રન કરવાની જરૂર હતી. કાર્તિકે મધ્યમ ઝડપી બોલર રૂબેલ હુસેને ફેંકેલી તે ઓવરમાં ત્રણ બોલમાં સિક્સર, બાઉન્ડરી, સિક્સર તેમજ બે રન અને એક વધુ બાઉન્ડરી સહિત કુલ 22 રન ફટકારીને ભારતની જીતની આશા બળવત્તર કરી દીધી હતી. એ ત્યાં અટક્યો નહોતો અને છેલ્લી ઓવરમાં ફરી પોતાના હાથમાં બાજી આવતાં સિક્સર ફટકારીને ભારતને યાદગાર વિજય અપાવ્યો. એના 29 રનમાં 3 સિક્સર અને બે બાઉન્ડરી હતી. સ્વાભાવિક રીતે જ, એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

167 રનના ટાર્ગેટને ચેઝ કરવાની આગેવાની કેપ્ટન રોહિત શર્માએ લીધી હતી. પણ 14મી ઓવરમાં વ્યક્તિગત 56 રન કરીને તે આઉટ થતાં ભારત થોડીક મુસીબતમાં આવી ગયું હતું. ત્યારબાદ મનીષ પાંડે 28 રન કરીને આઉટ થતાં બાંગ્લાદેશ માટે ટ્રોફી જીતવાની આશા બળવાન બની હતી, પણ કાર્તિક કંઈક અલગ મૂડ સાથે જ મેદાનમાં ઉતર્યો હતો.

છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 12 રનની જરૂર હતી. વિજય શંકર ક્રીઝ પર હતો. પહેલો બોલ વાઈડ નખાયો હતો. ત્યારબાદનો પહેલો બોલ ડોટ ગયો હતો. બીજા બોલમાં શંકરે અને ત્રીજા બોલમાં કાર્તિકે સિંગલ લીધો હતો. ચોથા બોલે શંકરે ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમા બોલે એ કેચઆઉટ થયો હતો, પણ કાર્તિક દોડીને સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચી ગયો હતો. અને છેલ્લા બોલે એણે ફટકારી દીધી સિક્સર.

ઓફ્ફ બ્રેક બોલર વોશિંગ્ટન સુંદરને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો. ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં આ એવોર્ડ જીતનાર સુંદર પહેલો જ ભારતીય ટીનેજર છે.

httpss://twitter.com/chaudhary_s8/status/975428737234698240