ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે મોદીઃ રાહુલ ગાંધીનો કટાક્ષ

નવી દિલ્હી – અહીં કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં આજે ત્રીજા અને આખરી દિવસે પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા આકરા શાબ્દિક પ્રહારો કરીને દેશના રાજકારણમાં ગરમી વધારી દીધી છે.

રાહુલે ભ્રષ્ટાચારના મામલે વડા પ્રધાન મોદીને ભીંસમાં લીધા હતા અને કહ્યું કે મોદીનું નામ દેશના ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને ભારતના વડા પ્રધાનના હોદ્દા સાથે જોડાઈ ગયું છે.

રાહુલે 2019ની લોકસભા ચૂંટણીને ઉલ્લેખ કરીને ભાજપની સરખામણી સત્તાભૂખ્યા કૌરવો સાથે કરી હતી અને પોતાની પાર્ટીને ભરોસાપાત્ર પાંડવો સાથે સરખાવી હતી.

રાહુલે કહ્યું કે મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડતા નથી, પણ એ સ્વયં જ ભ્રષ્ટાચાર છે. એમના હાથ નીચે દેશનો અંકુશ ભ્રષ્ટ અને શક્તિશાળી લોકોના હાથમાં છે. મોદી નામ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓ અને વડા પ્રધાનના હોદ્દા વચ્ચે સાંઠ-ગાંઠનું દ્યોતક બની ગયું છે.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલા આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી તથા ડાયમંડ બિઝનેસના મહારથી નીરવ મોદીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મોદી મોદીએ મોદીને તમારા 30 હજાર કરોડ રૂપિયા આપી દીધા અને એના બદલામાં મોદીએ મોદીને મોદીનું માર્કેટિંગ કરવા તથા ચૂંટણી લડવા માટે નાણાં આપ્યા.

ફ્રાન્સ સાથે રાફેલ ફાઈટર વિમાનોના સોદા અંગે કેન્દ્ર સરકાર પર વરસી પડતાં રાહુલે કહ્યું કે, મોદીએ ખાનગી રીતે રાફેલ સોદામાં ફેરફાર કર્યો અને એમણે 36 વિમાન જેટલા પૈસામાં ખરીદ્યા એટલા પૈસામાં કોંગ્રેસે 126 વિમાનની ખરીદીનો સોદો કર્યો હતો. કોંગ્રેસે એક વિમાન માટે 570 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા જ્યારે મોદીએ એ જ વિમાન માટે 1,670 કરોડ રૂપિયા ચૂકવ્યા. એક વિમાન માટે 1,100 કરોડ રૂપિયા વધારે આપ્યા.

રાહુલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખામણી મહાભારત યુગના કૌરવો સાથે કરી અને કહ્યું કે આ બંને સંગઠન સત્તા માટે લડવા માટે રચાયા છે. સદીઓ પહેલાં કુરુક્ષેત્રમાં મહાસંગ્રામ થયો હતો, જેમાં કૌરવ શક્તિશાળી અને અહંકારી હતા. જ્યારે પાંડવો વિનમ્ર હતા, જેમણે સત્ય માટે યુદ્ધ કર્યું હતું. કૌરવોની જેમ ભાજપ અને આરએસએસ સત્તા માટે લડવા માટે રચાયા છે, પણ કોંગ્રેસ સત્યની લડાઈ લડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]