મુંબઈઃ ભારતના સ્ટાર ફૂટબોલર અને સિનિયર ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ એક ગજબની સિદ્ધિ હાંસલ કરી છે. એણે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં ગોલ કરીને પોતે કરેલા કુલ ગોલની સંખ્યા 74 પર પહોંચાડી છે. આંતરરાષ્ટ્રીય ગોલ સંખ્યામાં તે હવે આર્જેન્ટિનાના વિખ્યાત ફોરવર્ડ લિયોનેલ મેસ્સી કરતાં પણ આગળ નીકળી ગયો છે, જેના કુલ ગોલ છે 72. 36 વર્ષીય છેત્રી અત્યાર સુધીમાં કુલ 117 મેચ રમ્યો છે જ્યારે મેસ્સી 143 મેચ રમ્યો છે. વર્તમાનમાં સક્રિય ફૂટબોલ ખેલાડીઓમાં સૌથી વધારે ગોલ કરનારાઓની યાદીમાં છેત્રી હવે બીજા નંબરે છે. તેની આગળ પોર્ટુગલનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો છે, જેણે કુલ 103 ગોલ કર્યા છે. યૂએઈના અલી મબખૌતે 73 ગોલ કર્યા છે અને તે છેત્રી બાદ ત્રીજા સ્થાને છે.
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પ્રફૂલ પટેલે છેત્રીને તેની આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. કતરના દોહામાં ગઈ કાલે રમાઈ ગયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 2-0થી પરાજય આપ્યો હતો. છેત્રીએ 79મી અને 92મી મિનિટે ગોલ કર્યો હતો. આ જીત સાથે ભારત સાત મેચમાંથી છ પોઈન્ટ મેળવીને ગ્રુપ-Eમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું.