ક્રિકેટરોએ મહાકાલેશ્વર મંદિરમાં પંતના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

ઇન્દોરઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યુ ઝીલેન્ડની સામે ત્રીજી અને છેલ્લી વનડે રમવા માટે ઇન્દોર પહોંચી છે. બંને ટીમો વચ્ચે આવતી કાલે (24 જાન્યુઆરીએ) શહેરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પહેલી બંને વનડે જીતીને સિરીઝમાં 2-0થી આગળ છે. ઇન્દોર પહોંચ્યા પછી ભારતીય ક્રિકેટરોએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને સાથી ક્રિકેટર ઋષભ પંતના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

ભારતીય ક્રિકેટરોમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. સૂર્યકુમાર યાદવે પત્રકારોને કહ્યું હતું કે અમે પંતના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે પંતની વાપસી અમારા માટે ઘણી મહત્ત્વની છે.

આ ક્રિકેટરોએ અને કર્મચારીઓએ મંદિરમાં વહેલી સરવારે ભગવાન શિવની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.  ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ગયા મહિને એક રોડ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયો હતો અને તેની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળવાની અપેક્ષા છે. પંતને એક-બે સપ્તાહમાં હોસ્પિટલમાં રજા મળે એવી શક્યતા છે. પંત પર મેડિયલ કોલેટરલ લિગામેન્ટ (MCL) અને એન્ટિરિયર ક્રૂસિયેટ લિગામેન્ટ (ACL)ની સફળ સર્જરી થઈ છે અને તે આમાંથી બહાર આવી રહ્યો છે.

ભારતે શનિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડ સામેની બીજી વનડે મેચમાં આઠ વિકેટે જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયે સાતમી વનડે સિરીઝ પોતાને નામે કરી હતી.