આવી રીતે કોઈ આઉટ થાય ખરું? રહકીમ કોર્નવોલ ફરી ઠર્યો હાસ્યને પાત્ર

સેન્ટ લુસિયા (બાર્બેડોસ): ક્રિકેટ એક શારીરિક રમત છે અને એમાં રમવા માટે ભરપૂર ફિટનેસ હોવી આવશ્યક છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલ અને ફિટનેસને કોઈ સંબંધ ન હોય એવું લાગે છે. 143 કિલોગ્રામ વજનના કોર્નવોલને દર્શાવતો એક વિડિયો ઈન્ટરનેટ પર તોફાની રીતે વાઈરલ થયો છે. આ વિડિયો કેરેબિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની એક મેચનો છે. તેમાં કોર્નવોલ જે રીતે રનઆઉટ થાય છે તે જોઈને કોમેન્ટેટર્સ સહિત સહુ કોઈ હસવાનું રોકી શક્યા નહોતા.

રહકીમ કોર્નવોલ તેના મેદસ્વી શરીરને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનારો આ અત્યાર સુધીનો સૌથી જાડો ખેલાડી છે. આની સાથે જ કોર્નવોલને દુનિયાના સૌથી અનફિટ ક્રિકેટરનું ટેગ પણ મળ્યું છે.

કોર્નવોલ તેના અતિશય વજનને કારણે ફાસ્ટ દોડી શકતો નથી. ટેસ્ટ મેચમાં કોઈક વાર ચાલીને રન દોડી શકાય પણ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં એવું હોતું નથી. આ ફોર્મેટની રમતમાં એક એક રન કિંમતી હોય છે. બેટર્સને છૂટક રન લેવા માટે ખૂબ ઝડપથી દોડવું પડે છે.

સીપીએલ-T20 સ્પર્ધામાં કોર્નવોલ બાર્બેડોસ રોયલ્સ ટીમ વતી રમે છે. સેન્ટ લુસિયા ખાતેના ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોર્નવોલને દાવનો આરંભ કરવા મોકલાયો હતો. પહેલી ઓવરના પહેલા જ બોલમાં એ ફટકો મારીને રન લેવા દોડ્યો હતો, પણ નોન-સ્ટ્રાઈકર એન્ડ સુધી પહોંચી શક્યો નહોતો. સેન્ટ લુસિયા કિંગ્સ ટીમના ફિલ્ડર ક્રિસ સોલે કરેલા થ્રોને કારણે એ રનઆઉટ થઈ ગયો હતો. કોર્નવોલને આવી વિચિત્ર રીતે આઉટ થયેલો જોઈને ટીવી કોમેન્ટેટર્સ સહિત સૌ કોઈ હસી પડ્યા હતા. ધીમે દોડતો હોવાને કારણે કોર્નવોલ માંડ અડધી પીચ સુધી જ પહોંચી શક્યો હતો. એ રન લેવા માટે દોડતો હતો કે જોગિંગ કરતો હતો એવો ક્રિકેટચાહકોને સવાલ થયો હતો. કોર્નવોલ હાફ-વે પર હતો ત્યારે એનો જોડીદાર કાઈલ મેયર્સ બીજા છેડે – સ્ટ્રાઈકર્સ એન્ડ પર પહોંચી પણ ગયો હતો. તે મેચમાં સેન્ટ લુસિયા ટીમનો 54 રનથી વિજય થયો હતો.