દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટસિરીઝ જીતવાનો પૂજારાને આત્મવિશ્વાસ

સેન્ચુરિયનઃ ભારતના ટોપ-ઓર્ડરના બેટર ચેતેશ્વર પૂજારાએ એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં આગામી ટેસ્ટ શ્રેણી જરૂર જીતી બતાવશે. બંને ટીમ વચ્ચે ત્રણ-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરના રવિવારથી અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર શરૂ થવાની છે. 33 વર્ષીય પૂજારા 2019ના જાન્યુઆરી પછી એકેય ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી. એણે છેલ્લા દસ દાવમાં બે અડધી સદી ફટકારી છે.

બીસીસીઆઈ.ટીવીને આપેલી મુલાકાતમાં પૂજારાએ કહ્યું કે ભૂતકાળમાં છેલ્લે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં અમે સારો દેખાવ કર્યો હતો એટલે મને વિશ્વાસ છે કે આપણી હાલની ટીમ દક્ષિણ આફ્રિકામાં પણ જીતવાની ક્ષમતા ધરાવે છે. અમારી સબળ બેટિંગ અને બોલિંગ લાઈન-અપ જોતાં અમે કોઈ પણ પરિસ્થિતિમાં જીતી શકીએ છીએ.