સબસ્ટિટ્યૂટ ચહલ ચમક્યોઃ ભારત પહેલી T20I 11-રનથી જીત્યું

કેનબેરાઃ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં બોલિંગ કરવા ઉતરેલા લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 3-વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયાનો આજે અહીં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત સામે 11-રનથી પરાજય થયો છે. ટોસ હારી જતાં પહેલા બેટિંગ કરવાનું જણાવાયા બાદ ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા હતા. એમાં ડાબોડી બેટ્સમેન જાડેજાનો ફાળો માત્ર 23 બોલમાં પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે અણનમ 44 રન હતો. ભારતના દાવની આખરી ઓવરમાં બેટિંગ કરતી વખતે જાડેજાને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો એક શોર્ટ બોલ માથા પરની હેલ્મેટ પર વાગ્યો હતો. એ વખતે તો જાડેજાના માથાની ઈજાની તપાસ કરાઈ નહોતી, કારણ કે ચાર બોલ જ બાકી હતા. બાદમાં, ઈનિંગ્ઝ બ્રેક વખતે ભારતીય ટીમે જાડેજાને આરામ આપવાનું નક્કી કર્યું હતું. નિયમ અનુસાર, ભારતે કન્કશન સબસ્ટિટ્યૂટ માટે માગણી કરી હતી. જાડેજા ટીમનો અગ્રગણ્ય સ્પિનર હોવાથી એની જગ્યાએ ચહલને સામેલ કરવાની ભારતે કરેલી વિનંતીનો મેચ રેફરી ડેવિડ બૂને સ્વીકાર કર્યો હતો. ચહલ બોલિંગમાં ચમક્યો હતો અને પોતાના હિસ્સાની 4 ઓવરમાં 25 રન આપીને કેપ્ટન આરોન ફિન્ચ (35), સ્ટીવ સ્મીથ (12) અને વિકેટકીપર મેથ્યૂ વેડ (7) જેવી કિંમતી વિકેટો પાડી હતી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ફાસ્ટ બોલર ટી. નટરાજને પણ 3 વિકેટ લીધી હતી.

ભારતના દાવમાં ઓપનર અને વિકેટકીપર કે.એલ. રાહુલ 51 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. જાડેજાએ એની આગવી સ્ટાઈલમાં બેટિંગ ન કરી હોત તો ભારતનો સ્કોર પાંગળો બની ગયો હોત. શિખર ધવન (1) અને કેપ્ટન વિરાટ કોહલી (9) નિષ્ફળ ગયા બાદ સંજુ સેમસને 23, મનીષ પાંડેએ 1, હાર્દિક પંડ્યાએ 16 રન કર્યા હતા. સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરે સિડનીમાં અને ત્રીજી તથા આખરી મેચ 8 ડિસેમ્બરે સિડનીમાં જ રમાશે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા પર ભારતનો છેલ્લી 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં આ છઠ્ઠો વિજય છે. આ મેચ પૂર્વેની વન-ડે ઈન્ટરનેશનલ્સ સિરીઝ ભારત 1-2થી હારી ગયું હતું.