યુવરાજે પીએમ-કેર્સ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા; હરભજન જલંધરમાં 5000 પરિવારોને જમાડશે

ચંડીગઢઃ ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આજે જાહેરાત કરી છે કે તે કોરોના વાઈરસ રોગચાળા સામે લડવામાં મદદરૂપ થવા માટે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખ દાનમાં આપશે.

યુવરાજ સિંહે લોકોને અપીલ કરી છે કે કોરોના રોગચાળો અત્યાર સુધીમાં આપણા દેશમાં 80થી વધુ લોકોના જાન લઈ ચૂક્યો છે અને 3000થી વધારે લોકોને ચેપ લગાડી ચૂક્યો છે તો એની સામે લડવામાં સૌથી સંગઠિત બનીને રહે.

યુવરાજે કહ્યું છે કે આપણે સંગઠિત રહીશું તો આપણે મજબૂત રહીશું. હું પણ આજે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી મીણબત્તી પેટાવવાનો છું. આજના સંગઠિતતાના મહાન દિવસે હું પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખનું દાન કરવાનો સંકલ્પ કરું છું. તમે પણ તમારાથી બનતું કરજો.

હરભજન સિંહ, પત્ની ગીતા જલંધરમાં 5000 પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરશે

દરમિયાન, અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર અને ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે તેના વતન શહેર જલંધરમાં કોરોના વાઈરસના રોગચાળાને કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા 5000 વંચિત પરિવારોનાં લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપશે.

હરભજને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે હું અને ગીતા જલંધરમાં રહેતા એવા 5000 ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરીશું, જેમને હાલના કટોકટીભર્યા સમયમાં એમના પરિવારોને જમાડવામાં મુશ્કેલી પડી રહી છે.’

અમે એમના સંઘર્ષનો બોજ ઓછો કરવામાં મદદ કરીશું. મેં સહાયક પોલીસ કમિશનર (જલંધર) સાથે વાત કરી છે. મારા મિત્રોની એક ટીમ એમના આદેશોનું પાલન કરશે અને તે અનુસાર ભોજનના પેકેટોનું વિતરણ કરાશે. જ્યાં સુધી કોરોના વાઈરસથી સ્થિતિ સામાન્યવત્ નહીં થાય ત્યાં સુધી અમે ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરતા રહીશું. અમે પાંચ કિલો ચોખા, લોટ, તેલ તથા અન્ય ખાદ્યસામગ્રીનું વિતરણ કરીએ છીએ.