પહેલવાનો-પોલીસ વચ્ચે ઝપાઝપીઃ રેસલર્સનું મેડલ પરત કરવાનું એલાન 

નવી દિલ્હીઃ ‘બેટી પઢાઓ બેટી બચાવો’ જેવું સૂત્ર આપનારી કેન્દ્ર સરકાર પર ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયાએ હુમલો કર્યો હતો. જંતર-મંતર પર ધરણાં પર બેઠેલા આ પહેલવાનનું કહેવું હતું કે દેશમાં પુત્રીઓ અને રમત માટે બહુ ખરાબ સમય આવી ગયો છે.બુધવારે દિલ્હી પોલીસની સાથે ઝપાઝપી થયા પછી બજરંગે કહ્યું હતું કે તેમને સરકાર તરફથી કોઈ સન્માન નથી જોઈતું અને તેઓ તેમના એવોર્ડ પરત સોંપી દેશે. પહેલવાનોએ પોલીસ કર્મચારીઓ પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. જેથી કેટલાક દેખાવકારોને માથામાં ઇજા પણ થઈ હતી. વિનેશ ફોગાટે પણ એલાન કર્યું હતું કે પહેલવાનો રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા બધા મેડલ પરત આપશે.

દેશના સ્ટાર પહેલવાન રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બ્રિજશરણ સિંહની સામે 23 એપ્રિલથી ધરણાં પર બેઠા છે. તેમણે બ્રિજશરણ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો. આ પહેલવાનોની દિલ્હી પોલીસની સાથે ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

બજરંગે દેશવાસીઓથી જંતર-મંતર આવવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના મેડલ જીત્યા પછી જો પુત્રીઓની સાથે આવી ગેરવર્તણૂક થઈ રહી છે તો કોઈ લાભ નથી. હું દેશવાસીઓને એકજૂટ થવા આહવાન કરું છું.  તેમણે કહ્યું હતું કે જેની સામે અમે FIR કરી છે, તેમને તો પોલીસ કાંઈ કરી નથી રહી, પણ ખેલાડીઓ પરેશાન છે. પોલીસવાળાઓનો આશય છે કે કેવી રીતે ધરણાં ખતમ કરવા અને બ્રિજભૂષણને બચાવવા માટે દરેક દાવપેચ અજમાવી રહી છે.