ક્રિકેટ બોર્ડ 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર સામેના જંગમાં મદદરૂપ થવા માટે તે 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે.

ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે 10-લીટરનું એક એવા 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું વિતરણ કરશે. તેને આશા છે કે તેના તરફથી અપાનાર આ મહત્ત્વની તબીબી સહાય જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવશે અને દેશમાં આ રોગચાળાનો હાહાકાર ઘટાડવામાં મદદરૂપ થશે. નાણાકીય વર્ષ 2018-19 માટેની બેલેન્સ શીટ અનુસાર, બીસીસીઆઈ દુનિયામાં સૌથી ધનવાન ક્રિકેટ સંચાલક સંસ્થા છે. તેની સંપત્તિનો આંક છે રૂ. 14,489.80 કરોડ.