અમદાવાદઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટીમ ઈન્ડિયા સામે ચાર ટેસ્ટ મેચ રમવાની છે. પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી બે અમદાવાદના નવા બંધાયેલા અને દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર પટેલ-મોટેરા સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં 24 ફેબ્રુઆરીથી અને 4 માર્ચથી, એમ બે ટેસ્ટ રમાશે. તે મેચ જોવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા વિચારે છે. અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ હશે અને ગુલાબી રંગના બોલથી રમાશે. તે મેચ બપોરે અઢી વાગ્યાથી શરૂ થશે. તે મેચ જોવા આવવા માટે બીસીસીઆઈ પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુને પણ આમંત્રિત કરવા વિચારે છે.
દરમિયાન, ચારેય ટેસ્ટ મેચ વખતે સ્ટેડિયમોમાં 50 ટકા દર્શકોને પ્રવેશ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેન્નાઈમાંની ટેસ્ટ મેચો પાંચ ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીથી રમાશે. ઈંગ્લેન્ડની ટીમ કોરોના વાઈરસ રોગચાળાને કારણે સલામતીને ખાતર ખાલી સ્ટેડિયમમાં જ મેચ રમવા માગે છે.