ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં BCCIએ કર્યો મોટો ફેરફાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2025માં ભારતીય ટીમના નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફારો કર્યા છે. ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાંથી ચાર સભ્યોને હટાવવામાં આવ્યા છે, જેમાં હેડ કોચ ગૌતમ ગંભીરના નજીકના સહયોગી અભિષેક નાયર, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ, સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચ સોહમ દેસાઈ અને એક મસાજરનો સમાવેશ થાય છે.

અભિષેક નાયર, જે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સમયથી ગંભીર સાથે જોડાયેલા હતા, તેમને 24 જુલાઈ, 2024થી ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગંભીરની નિમણૂક બાદ નાયરને આ મહત્વની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ BGTમાં 3-1ની હાર અને ડ્રેસિંગ રૂમની ગુપ્ત માહિતી લીક થવાની ઘટનાઓ બાદ તેમની છૂટટી કરવામાં આવી.

ટી. દિલીપ અને સોહમ દેસાઈ, જેઓ ત્રણ વર્ષથી ટીમ સાથે હતા, તેમને પણ હટાવવામાં આવ્યા છે. BCCIના નિર્ણય મુજબ, ત્રણ વર્ષથી વધુ સમય સુધી સેવા આપનાર સ્ટાફને બદલવાની નીતિ અમલમાં છે. આ ઉપરાંત, એક મસાજરને પણ હટાવવામાં આવ્યો, જોકે તેનું નામ જાહેર કરાયું નથી.ગંભીરે 9 જુલાઈ, 2024થી હેડ કોચની ભૂમિકા સંભાળ્યા બાદ પોતાના KKRના સાથીઓ અભિષેક નાયર, રેયાન ટેન ડોશેટ અને મોર્ને મોર્કેલને સપોર્ટ સ્ટાફમાં સામેલ કર્યા હતા. જોકે, BGTની હાર અને ન્યૂઝીલેન્ડ સામે 3-0ની ઘરઆંગણાની હારે BCCIને કડક પગલાં લેવા પ્રેર્યું.

BCCIએ નવા સ્ટાફની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી છે. રેયાન ટેન ડોશેટ હવે ફિલ્ડિંગ કોચની જવાબદારી સંભાળશે, જ્યારે એડ્રિયન લે રૂ, જે હાલ પંજાબ કિંગ્સ સાથે જોડાયેલા છે, તે સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચની ભૂમિકા નિભાવશે. સિતાંશુ કોટક બેટિંગ કોચ તરીકે ટીમ સાથે ચાલુ રહેશે. ટીમ ઈન્ડિયા 20 જૂન, 2025થી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ સિરીઝ પહેલાં નવા સપોર્ટ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે, જે ટીમને નવી દિશા આપવામાં મદદ કરશે. BGTની નિષ્ફળતા બાદ BCCIનો આ નિર્ણય ટીમના પ્રદર્શનને સુધારવા અને નવી ઊર્જા લાવવાનો પ્રયાસ દર્શાવે છે.