નવી દિલ્હીઃ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા આ વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ભારતમાં રમાવાની છે. એમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની ટીમને વિઝા મળે એ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મંજૂરી મેળવી લીધી છે. આની જાહેરાત બીસીસીઆઈની બેઠકમાં કરવામાં આવી હતી. આમ, પાકિસ્તાનની ટીમ પાંચ વર્ષ પછી ભારત આવશે. સ્પર્ધાની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાવાની છે. જોકે આનાથી બંને દેશ વચ્ચે સ્થગિત કરાયેલા દ્વિપક્ષી સંબંધો એમ પ્રસ્થાપિત થશે નહીં થાય અને બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચેની મડાગાંઠ દૂર થશે નહીં. જોકે પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને આ સ્પર્ધા જોવા માટે ભારતના વિઝા આપવા કે નહીં એ નિર્ણય હજી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે લીધો નથી.
T20 વર્લ્ડ કપ માટે ભારત સરકારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઉપરાંત આ સ્પર્ધાને કવર કરવા માટે પાકિસ્તાનના પત્રકારો પણ આવી શકે એ માટે તેમના વિઝા પણ મંજૂર કરી દીધા છે. જો ભારત સરકારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને વિઝા આપ્યા ન હોત તો આ સ્પર્ધા ભારતને બદલે યૂએઈમાં યોજવાનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસીને જણાવત. ભારતમાં કરાયેલા ત્રાસવાદી હુમલાઓમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોની સંડોવણીને કારણે ભારતે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધોને સ્થગિત કરી દીધા છે.