નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે છેલ્લી મેચ પછી ટીમના બેટિંગ ક્રમમાં એક ફેરફાર કરવાનો ઇશારો કર્યો છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સની સામે મેચ ગુમાવ્યા પછી અક્ષર પટેસને ટોચના ચાર બેટ્સમેનોમાં રમાડવાની વાત કહી છે. તેણે આ મેચ પછી એનરિક નોર્ખિયા અને મુસ્તાઉજુર રહેમાનની પણ પ્રશંસા કરી હતી.
દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડ અક્ષર પટેલે મુંબઈ ઇન્ડિયન્સની સામે ધુઆંધાર બેટિંગ કરી હતી. તેણે 25 બોલમાં 54 રન બનાવીને ટીમનો સ્કોર એવી જગ્યાએ પહોંચાડ્યો હતો, જ્યાંથી વિરોધી ટીમને માત આપી શકાય છે. અક્ષરે આ ઇનિંગ્સમાં ચોક્કા ઓછા અને છક્કા વધુ માર્યા હતા. અક્ષરે ચાર ચોક્કા અને પાંચ છક્કા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 216નો હતો.અક્ષરની આક્રમક બેટિંગને લીધે દિલ્હી કેપિટલ્સ 172 રન બનાવી શકી હતી. દિલ્હીની અડધી ટીમ 100 રનની અંદર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. અક્ષરે ડેવિડ વોર્નરની સાથે મળીને 34 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે આ મેચ છેલ્લા બોલમાં સ્કોર ચેઝ કરી અને છ વિકેટે જીતી લીધી હતી.
દિલ્હીની હાર પછી વોર્નરે કહ્યું હતું કે મેચ ઘણી રસપ્રદ હતી. બે બોલ ખરાબ ગઈ અને ગેમ પલટાઈ ગઈ હતી. અમે મેચમાં સારી વાપસી કરી હતી. નોર્ખિયા એક વર્લ્ડ ક્લાસ બોલર છે અને અમે તેનાથી એવી બોલિંગની અપેક્ષા કરીએ છીએ. બાકી અક્ષરે ટોચના ક્રમે બેટિંગ કરવી જોઈએ. તેણે એ સારો સ્કોર ઊભો કર્યો હતો.