શેટુરુ (ફ્રાન્સ): અહીં રમાતી વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વર્લ્ડ કપ-2022માં ભારતની અવની લેખરાએ જોરદાર ફોર્મ બતાવીને આજે બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. યુવા પેરાલિમ્પિક ચેમ્પિયન અવનીએ મહિલાઓની R8 – 50 મીટર રાઈફલ-3 પોઝિશન્સ હરીફાઈની ફાઈનલમાં 458.3 પોઈન્ટ સ્કોર કર્યાં હતાં, જે પેરાલિમ્પિક સ્પર્ધાઓની સ્ટાર ગણાતી વેરોનિકા વેડોવિકોવા (સ્લોવેકિયા) અને એન્ના નોર્મન (સ્વીડન) જેવી અનુભવીઓ કરતાં વધારે હતા. વેરોનિકાએ 456.6 પોઈન્ટ સાથે રજત અને એન્નાએ 441.9 પોઈન્ટ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
20 વર્ષની અવનીએ વર્લ્ડ કપ સ્પર્ધાના પહેલા જ દિવસે, R2 – મહિલાઓની 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એને અભિનંદન પણ આપ્યા હતા. અવનીએ આ દેખાવ સાથે 2024ની પેરાલિમ્પિક્સ ગેમ્સ માટે ભારતનું એક સ્થાન નિશ્ચિત કરી દીધું છે.