બીજી-T20Iમાં પણ અક્ષર-ચહલની ધુલાઈ થઈ; SA 2-0

કટકઃ ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 4-વિકેટથી હરાવીને પાંચ-મેચોની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી છે. સીરિઝની ત્રીજી મેચ 14 જૂનના મંગળવારે વિશાખાપટનમમાં રમાશે. ગઈ કાલે, બાવુમાએ ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 148 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 18.2 ઓવરમાં 6 વિકેટે 149 ર કરી મેચ જીતી લીધી હતી. વિકેટકીપર હેન્રીક ક્લાસેનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. એણે 46 બોલમાં પાંચ છગ્ગા, સાત ચોગ્ગા સાથે 81 રન કર્યા હતા.

ભારતના લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 49 રન, મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 31 રન, ડાબોડી સ્પિનર અક્ષર પટેલે એક ઓવરમાં 19 રન ખર્ચી નાખ્યા હતા. મેચ બાદ, કેપ્ટન રિષભ પટેલે કહ્યું કે સ્પિનરોએ વધારે સારો દેખાવ કરવાની જરૂર છે. વર્તમાન શ્રેણીની બે મેચમાં, અક્ષરે કુલ પાંચ ઓવર ફેંકીને 59 રન આપ્યા છે જ્યારે ચહલની છ ઓવરમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો 75 રન ફટકારી ચૂક્યા છે.