દુબઈઃ આજે અહીં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પ્રોફેશનલ અભિગમ વડે 8-વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ-2021 ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલી જ વાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ન્યૂઝીલેન્ડે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 172 રન કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર બે જ વિકેટના ભોગે 18.5 ઓવરમાં 173 રન કરીને મેચ જીતી લીધી હતી. મિચેલ માર્શ 50 બોલમાં 77 અને ગ્લેન મેક્સવેલ 18 બોલમાં 28 રન સાથે નોટઆઉટ રહ્યો હતો. ઓપનર ડેવિડ વોર્નરે 38 બોલમાં 53 રન કર્યા હતા. કેપ્ટન આરોન ફિન્ચ (5) સસ્તામાં આઉટ થયા બાદ વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 92 રનની તોતિંગ ભાગીદારી કરી હતી. વોર્નરની વિકેટ પડ્યા બાદ માર્શ અને મેક્સવેલ 39 બોલમાં 66 રનની અતૂટ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી ગયા.
એ પહેલાં, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ ન્યૂઝીલેન્ડે કેપ્ટન કેન વિલિયમસનની ફાંકડી બેટિંગ (48 બોલમાં 10 ચોગ્ગા, 3 છગ્ગા)ની મદદથી 85 રન કર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાના વોર્નર, માર્શ અને મેક્સવેલે જોરદાર વળતી લડત આપતાં વિલિયમસનની મહેનત ફોગટ ગઈ હતી.
