IPLથી અબજોની કમાણી છતાં BCCI ટેક્સ નહીં ભરે, જાણો…

નવી દિલ્હીઃ દેશની સૌથી માલેતુજાર સંસ્થા BCCI ટેક્સ વિભાગની સામે મોટી જીત હાંસલ કરી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ BCCIની દલીલને વાજબી ઠેરવી છે. BCCI ભલે IPL દ્વારા કરોડોની કમાણી કરી રહી હોય, પણ એનો ઉદ્દેશ કિક્રેટને પ્રોત્સાહન આપવાનો છે.એટલા માટે આ ટુર્નામેન્ટમાંથી થયેલી કમાણી ઇન્કમ ટેક્સના દાયરામાં આવે છે. ITATએ બીજી નવેમ્બરે આ ચુકાદો આપ્યો હતો.

રેવેન્યુ ડિપાર્ટમેન્ટે વર્ષ 2016-17માં BCCIને ત્રણ કારણદર્શક નોટિસ જારી કરી હતી, જેમાં ક્રિકેટ સંસ્થાને પૂછવામાં આવ્યું હતું કે IPLથી થનારી કમાણી પર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 12-A હેઠળ મળનારી છૂટ કેમ દૂર ન કરવામાં આવે? એની સામે BCCIએ ITATનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.એના પર સુનાવણી કરતાં ITATએ રેવેન્યુ વિભાગની દલીલ ફગાવી દીધી હતી.

ઇન્કમ ટેક્સ વિભાગનું કહેવું હતું કે IPLમાં એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ છે. એનાથી સંકળાયેલી બાબતો ટ્રેડ, કોમર્સ અને બિઝનેસના દાયરામાં આવે છે. બીજી બાજુ, BCCIનું કહેવું હતું કે તેની કામગીરી સંપૂર્ણ રીતે ચેરિટેબલ છે અને એનો મૂળ ઉદ્દેશ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. IPL આ જ વિચારને આગળ ધપાવે છે. એનાથી થતા ફંડ્સને ક્રિકેટના પ્રમોશન પર ખર્ચ કરવામાં આવે છે.

ITAT બેન્ચે કહ્યું હતું કે જો રમતની ટુર્નામેન્ટને એટલા માટે રમાડવામાં આવે છે, જેથી એને વધુ લોકપ્રિય બનાવી શકાય અને ના પરિણામસ્વરૂપ વધુ સ્પોન્સરશિપ અને સંસાધનોને એકત્ર કરી શકાય તો એનાથી ક્રિકેટને લોકપ્રિય બનાવવાની એની કામગીરીનો મૂળ હેતુ જતો નથી.