‘ગોલ્ડપરી’ એથ્લીટ હિમા દાસ બની આસામની પોલીસ અધિકારી

ગુવાહાટી: આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણીતી એથ્લીટ – રનર હિમા દાસને નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (ડીએસપી) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના નાણાં પ્રધાન હિમંત વિશ્વ શર્મા ગઈ કાલે રાજ્ય વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી.

હિમા દાસ જકાર્તા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી લાવી હતી.

આસામ સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે રાજ્યના જે કોઈ પણ ખેલાડી ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ કે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતશે એમને ગ્રેડ-1 ઓફિસરના રૂપમાં નિયુક્ત કરશે. એને પગલે જ હિમા દાસને પોલીસ અધિકારીપદની ઓફર કરાઈ છે.

હિમા દાસ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ ભારતને મેડલ અપાવશે એવી આશા રખાય છે. એણે પોતાની કેટેગરી બદલી છે અને હવે તે 400 મીટરને બદલે 200 મીટરમાં દોડવાની છે. 200 મીટરની રેસમાં તેનો શ્રેષ્ઠ સમય નોંધાયો છે 23.10 સેકંડનો.

2000માં આસામમાં જન્મેલી હિમા 400 મીટરની રેસમાં રાષ્ટ્રીય વિક્રમ ધરાવે છે. 2018ની એશિયન ગેમ્સમાં એણે 50.79 સેકંડ સાથે રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો. વર્લ્ડ અન્ડર-20 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર તે પહેલી ભારતીય એથ્લીટ છે.

આસામના નાણાં પ્રધાન હિમંત વિશ્વ શર્મા સાથે હિમા દાસ

હિમા આસામના ઢિંગ નગરની સરકારી શાળામાં ભણી હતી. એ વખતે એને ફૂટબોલની રમતમાં રસ હતો અને તે સ્કૂલનાં છોકરાઓની સાથે ફૂટબોલ રમતી હતી. પરંતુ, ભારતમાં મહિલા ફૂટબોલમાં પોતાની કારકિર્દી બનવાની એને સંભાવના ન જણાતાં એણે તેનાં પી.ટી. ટીચરની સલાહને માનીને દોડવાની રમતમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને એમાં તે ઝડપથી સફળતા હાંસલ કરવા લાગી હતી.

કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુ સાથે હિમા દાસ

હિમંત વિશ્વ શર્માએ એમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મને એ જાહેર કરતા આનંદ થાય છે કે આપણી ‘ઢીંગ એક્સપ્રેસ’ આપણી નીતિની પહેલી લાભાર્થી છે. એને આપણે ડેપ્યૂટી સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસનો હોદ્દો ઓફર કરીએ છીએ.

આ સમાચાર વિશે હિમા દાસે ટ્વીટ કરીને પોતાના પ્રત્યાઘાત આપ્યા છે. એણે આસામના મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવાલ અને હિમંત વિશ્વ શર્માનો આભાર માન્યો છે. એણે વધુમાં લખ્યું છે સરકારના આ નિર્ણયથી મેડલ જીતનાર રમતવીરોને પ્રોત્સાહન મળશે.