એશિયન ગેમ્સ-2023માં ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો મેન્સ શૂટિંગ ટીમે

હાંગ્ઝો (ચીન): અહીં રમાતી 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ માન અપાવ્યું છે પુરુષ શૂટરોની ટીમે – 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં.

ભારતના સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટરો છે – રુદ્રાંક્ષ પાટીલ, ઐશ્વર્ય તોમર અને દિવ્યાંશ પંવાર.

આ ત્રિપુટીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. એમણે કુલ મળીને 1,893.7 પોઈન્ટ હાંસલ કર્યા હતા. આમાં રૂદ્રાંક્ષના 632.5 પોઈન્ટ, તોમરના 631.6 અને પંવારના 629.6 પોઈન્ટ છે. વર્લ્ડ રેકોર્ડ 1,893.3નો – ચીનના નામે હતો. તેના શૂટરોએ ગયા મહિને એઝરબૈજાનના બાકુમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નોંધાવ્યો હતો.

આજે આ હરીફાઈનો રજત ચંદ્રક દક્ષિણ કોરિયાએ કુલ 1,890.1 પોઈન્ટ સાથે અને કાંસ્ય ચંદ્રક ચીને જીત્યો છે 1,888.2 પોઈન્ટ સાથે.

રોઈંગમાં ભારતને વધુ બે કાંસ્ય ચંદ્રક મળ્યા

રોઈંગ (નૌકાયાન) રમતમાં, પુરુષોની બે હરીફાઈમાં ભારતને આજે બે વધુ કાંસ્ય ચંદ્રક મળ્યા છે. ભારતને આ મેડલ ટીમ હરીફાઈઓમાં મળ્યા છે. પેર-4 હરીફાઈમાં જસવિન્દર સિંહ, ભીમ સિંહ, પુનિત કુમાર અને આશિષની બનેલી ટીમે કાંસ્ય જીત્યો છે જ્યારે ક્વાડ્રપલ સ્કલ્સ હરીફાઈમાં સતનામ સિંહ, પરમિન્દર સિંહ, સુખમીત અને જાકર ખાનની બનેલી ટીમે કાંસ્ય જીત્યો છે. આ સાથે ગેમ્સના આજે બીજા દિવસે અત્યાર સુધીમાં ભારતે જીતેલા મેડલ્સની સંખ્યા વધીને 8 થઈ છે. ભારતે ગઈ કાલે રોઈંગની રમતમાં બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

મેડલ્સ યાદીમાં ભારત કુલ 8 ચંદ્રક સાથે હાલ 6ઠ્ઠા ક્રમે છે. જેમાં એક સુવર્ણ, 3 રજત અને ચાર કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. યજમાન ચીન 25 સુવર્ણ, 11 રજત, પાંચ કાંસ્ય સહિત કુલ 41 મેડલ સાથે પહેલા નંબર પર છે. ચીન પછીના નંબરે દક્ષિણ કોરિયા, જાપાન, ઉઝબેકિસ્તાન અને હોંગકોંગ ચીન આવે છે.